Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અર્થનિશ્ચય માટે જ લક્ષણનો ઉપયોગ છે. જે જ્ઞાનથી અર્થનો નિર્ણય કરવાનો છે તે જ્ઞાન પ્રમાણભૂત હોવું જોઈએ. એ જ્ઞાનના પ્રામાણ્યમાં જ શંકા થાય તો તેનાથી અર્થનો સંશય થશે, અર્થનો નિશ્ચય નહીં થાય. લક્ષણથી જ્ઞાનના પ્રામાણ્યવિષયક સંશય દૂર થવાથી અર્થવિષયક સંશય પણ દૂર થાય છે, જેથી અર્થના નિર્ણયની સિદ્ધિ થાય છે. આ રીતે અર્થનિર્ણય માટે લક્ષણનો ઉપયોગ હોવાથી ધર્મવાદમાં પ્રમાણાદિના લક્ષણનો કોઈ ઉપયોગ નથી.” આ કહેવાનું ઉચિત નથી - આ શંકાનું સમાધાન કરાય છે
न चार्थसंशयापत्तिः प्रमाणेऽतत्त्वशङ्कया ।
तत्राप्येतदविच्छेदा त्वभावस्य साम्यतः ॥८-१३॥ न चेति-न च प्रमाणेऽतत्त्वशङ्कयाऽप्रामाण्यशङ्कया अर्थसंशयापत्तिः । लक्षणं विनेति गम्यं । तत्रापि प्रमाणलक्षणेऽपि । एतदविच्छेदादप्रामाण्यशङ्कायाः स्वरसोत्थापिताया अनुपरमात् । हेत्वभावस्य शङ्काकारणाभावस्य । साम्यतः तुल्यत्वात् । प्रमाणलक्षण इव प्रमाणेऽपि शङ्काकारणाभावे शङ्काया अनुत्पत्तेरित्यर्थः ।।८-१३॥
લક્ષણ વિના પ્રમાણમાં અતત્ત્વ(અપ્રામાણ્ય)ની શંકા પડવાથી અર્થના સંશયની આપત્તિ આવશે : આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે પ્રમાણની જેમ પ્રમાણલક્ષણમાં પણ અપ્રામાણ્યની શંકાનો વિચ્છેદ થતો નથી. બંને સ્થાને શંકાના કારણભૂતના અભાવનું સામ્ય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ એ છે કે - “આ રજત છે”. ઇત્યાદિ જ્ઞાનમાં જો અપ્રામાણ્યની શંકા પડે તો તેના વિષયભૂત રજતમાં પણ શંકા પડે. પરંતુ લક્ષણથી જયારે એ જ્ઞાન પ્રમાણ છે એવો નિર્ણય થાય એટલે તેના વિષયભૂત રજતનો પણ નિર્ણય થઈ જાય છે. તેથી એ રીતે અર્થના નિશ્ચય માટે લક્ષણનો ઉપયોગ છે : આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે જેમ પ્રમાણમાં અપ્રામાણ્યની શંકા પડે તેમ પ્રમાણલક્ષણમાં પણ એવી શંકા પડી શકે છે. પોતાની મેળે સ્વરસથી પ્રમાણલક્ષણને વિશે આ લક્ષણ પ્રમાણ હશે કે નહિ - આવી શંકાને ઉત્પન્ન થતી રોકનાર કોઈ નથી. આમ થવાથી પ્રમાણના અપ્રામાણ્યની પણ શંકા થવાના કારણે લક્ષણનો ઉપયોગ કરવા છતાં અર્થનો સંશય થઈ જ જશે. તેથી પ્રમાણનું લક્ષણ અહીં અર્થના નિશ્ચય માટે નિરુપયોગી છે.
- યદ્યપિ પ્રમાણના લક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવાનું કોઈ કારણ નથી. તેથી અર્થનો નિશ્ચય ઉપર જણાવ્યા મુજબ થઈ શકે છે. પરંતુ જેમ પ્રમાણલક્ષણમાં અપ્રામાણ્યની શંકા થવામાં હેતુ-કારણનો અભાવ છે; તેમ પ્રમાણમાં પણ અપ્રામાણ્યની શંકા થવામાં કારણનો અભાવ છે. તેથી તેવી શંકા ન થવાથી અર્થનો નિશ્ચય થઈ શકે છે. એ માટે લક્ષણનો ઉપયોગ કરવાની આવશ્યકતા નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. I૮-૧all
એક પરિશીલન