________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યાખ્યાન પાંચમું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય પદ
પરમ ઉપકારી પૂજ્ય આચાર્યભગવંત રત્નશેખરસૂરિજી, શ્રીપાલની કથા કહેતાં, નવપદને પોતાના હૃદયકમળમાં સ્થાપીને, નવપદનું ધ્યાન ધરીને, નવપદનો મહિમા બતાવે છે. જે મનુષ્ય આવી રીતે સિદ્ધચક્રનું ધ્યાન ધરે છે, તે મનુષ્ય ચિત્તની અપૂર્વ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, કર્મની નિર્જરા કરે છે, અશુભ કર્મનો ક્ષય કરે છે અને શુભ પરિણામની વૃદ્ધિ અનુભવે છે. શ્રી સિદ્ધચક્રજીના અપૂર્વ પ્રસાદના અનુભવનું વર્ણન શબ્દોમાં થઈ શકતું નથી.
શ્રી અરિહંતનું ધ્યાન અને શ્રી સિદ્ધ ભગવંતનું ધ્યાન કેમ કરવું તે તો સમજી ગયાને? આજે આપણે આચાર્યપદની ઓળખાણ તેમના પ્રભાવ અને સ્વરૂપ દ્વારા કરીને, તેમનું ધ્યાન કેમ કરાય તે વિચારીશું.
ચાર પ્રકારના આચાર્ય
આચાર્ય ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧. નામ આચાર્ય, ૨. સ્થાપના આચાર્ય, ૩. દ્રવ્ય આચાર્ય, અને ૪. ભાવ આચાર્ય,
૧. નામ આચાર્ય : જેનું નામ જ ફક્ત આચાર્ય હોય. રસ્તા પર ભટકતી વ્યક્તિનું નામ છાપી દીધું : ‘આચાર્ય' ફક્ત નામ જ. ભરવાડનો છોકરો હોય ને નામ રાખ્યું ઇન્દ્ર! તો તે શું ઇન્દ્ર કહેવાય? ના. ફક્ત નામ છે ઇન્દ્ર!
૨. સ્થાપના આચાર્ય : આચાર્યની મૂર્તિ, પ્રતિમા એ સ્થાપના આચાર્ય કહેવાય.
૩. દ્રવ્ય આચાર્ય : જેને સાંસારિક શાસ્ત્રોનું જ્ઞાન હોય, જેમ શિલ્પશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોનું. આ શાસ્ત્રોનું. અધ્યયન કરાવનાર, જેમ અત્યારે સ્કૂલના આચાર્ય હોય છે ને? તે દ્રવ્ય આચાર્ય કહેવાય.
૪. ભાવ આચાર્ય : તેમની અનેક વિશેષતા છે. ભાવ આચાર્ય તો પોતે સ્વયં પંચાચારનું પાલન કરે અને બીજાને પાલન કરવાનો ઉપદેશ આપે. પંચાચાર પાળે અને પળાવે.
For Private And Personal Use Only