________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૦૧ મંગલકારી, ઉત્તમ અને શરણભૂત?
જે મંગલકારી હોય તે જ ઉત્તમ હોય. ત્રણેય લોકમાં અરિહંતાદિ ઉત્તમ છે. એવા મંગલકારી, કલ્યાણકારી અને હિતકારી ઉત્તમ અરિહંતાદિનું હું શરણ સ્વીકારું છું. જે ઉત્તમ હોય તે જ શરણ્ય બને!
આપણે અરિહંત વગેરે ચાર તત્ત્વોને મંગલકારી સમજીએ. આ સમજીને તેમને સમગ્ર જગતમાં શ્રેષ્ઠ-ઉત્તમ માનીએ, તે માન્યા પછી આપણે તેમના શરણે જઈએ.
આપણો મનુષ્યસ્વભાવ એવો છે કે જેને મંગલકારી માને તેને શ્રેષ્ઠ માને. કોઈને પૌગલિક કે ભૌતિક સ્વાર્થ હોય છે, તો કોઈને આધ્યાત્મિક સ્વાર્થ હોય છે! સ્વાર્થ જ્યાં સધાય ત્યાં જાય; તેવી પ્રેરણા થાય કે “હું આમના શરણે જાઉં,” પછી તેને ત્યાં જતાં કોઈ બંધન રોકી શકે નહીં.
શ્રદ્ધાનું-આસ્તિકતાનું આ સ્વરૂપ છે. જેના પ્રત્યે તમને શ્રદ્ધા હશે, તમે તેને શ્રેષ્ઠ સમજવાના અને તેમના શરણમાં તમારી જાતને સુરક્ષિત માનવાના. જેવા તેમના શરણમાં ગયા કે આત્મામાં એક વિશિષ્ટ પ્રક્રિયા શરૂ થવાની.
તે પ્રક્રિયા છે વૈરાગ્યની. આ પ્રક્રિયાથી સંસારના જડ પદાર્થો, ભૌતિક સુખ, અને પાંચેય ઇંદ્રિયોના વિષયો તરફ મન વૈરાગ્યમય થશે. જેમ જેમ શરણાગતિનો ભાવ વધતો જશે તેમ તેમ સંસાર તરફ વૈરાગ્ય વધુ ને વધુ દૃઢ થતો જશે. સંસાર તરફ વૈરાગ્ય થશે, તો જ મોક્ષસુખની અભિલાષા જાગ્રત થશે!
એક સુખ પસંદ ન આવે, તો બીજું સુખ પસંદ પડે! એક કાપડ પસંદ ના આવે, તો બીજું કાપડ પસંદ આવે! એક મકાન ન ગમે, તો બીજું મકાન ગમે! ભલે મકાન મળે કે ન મળે પણ ગમે જરૂરી તેમ સંસાર ન ગમે તો મોક્ષ ગમે!
સંસાર અસાર છે. એ વાત સમજો તો મોક્ષ સરસ છે, સારભૂત છે, એમ લાગે. ક્ષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય આવે તો શાશ્વત સુખ પ્રત્યે રાગ જાગે. સંસારસુખોમાં અનાસક્ત બની જાઓ તો મોક્ષ સુખમાં આસક્તિ જાગશે.
આત્મામાં સમ્યગૂ દર્શન પ્રગટે એટલે જેમ શ્રદ્ધા, વૈરાગ્ય અને સંવેગ પ્રગટે, તેમ અનુકંપાનો ભાવ પણ પ્રગટે અને વૃદ્ધિ પામે.
અનુકંપાનું બીજું નામ છે દયા, જ્યારે સંસારનાં સુખોની ઇચ્છા જ ન રહે, પછી આત્મામાં કૂરતા રહે જ ક્યાંથી? સંસારનાં સુખોની અભિલાષામાંથી ક્રૂરતા જન્મે છે. ઘરમાં દર હોય તો સંભવ છે કે સાપ નીકળે! દર જ ન હોય તો સાપ નીકળે ક્યાંથી? તે પ્રમાણે સંસારનાં સુખોની ઇચ્છા-કામના તે દર છે, ક્રૂરતા એ સાપ છે.
For Private And Personal Use Only