________________
४८
૭૮મા પાઠ ‘જ્ઞાન સંબંધી બે બોલ ભાગ-૨'માં,
જ્ઞાન પ્રાપ્તિનાં સાધનો વિષે કહેછે. પરિપૂર્ણ આત્મજ્ઞાન માટે પૂરેપૂરી પર્યાપ્તિ (આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન) વાળો આ દુર્લભ માનવદેહ મળ્યો. વીતરાગના પવિત્ર વચનામૃતનું શ્રવણ, સંસ્કાર, શ્રદ્ધા જોઇએ. આ સાધનો માટે સત્પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) જોઇએ. દેશ, કાળ પણ અનુકૂળ છે. પાંચમો આરો, પડતો કાળ પણ પુરુષાર્થ ઉપાડે તો કાળ ક્યાંયે ઉપડી જાય ! પોતાને પ્રાપ્તિ થાય તો તે સુવર્ણકાળ છે. હજુ આ પાંચમા આરાનાં સાડા અઢાર વર્ષ બાકી છે. પંચમ કાળની પૂર્ણતા સુધી અનુકૂળતા છે. ટૂંકમાં, આ કાળમાં પણ બધું શક્ય છે.
૭૯મા પાઠ ‘જ્ઞાનસંબંધી બે બોલ ભાગ ૩’માં,
આવશ્યકતા શીછે? મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણીએ ચઢવું એ છે, જેથી અનંત દુઃખનો નાશ થાય. દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે જે સ્વસ્વરૂપિક સુખ છે. માટે તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથા આપી કે, જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત. પછી જ્ઞાનના અનંત ભેદ છે પણ મુખ્ય મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ ભેદ છે. તેમ વસ્તુ તો અનંત છે, કેવી રીતે જણાઇ રહે ? મુખ્ય વસ્તુ બે જ, જીવ અને અજીવ. વિશેષ સ્વરૂપે નવ તત્ત્વ કહેવાય, ષડ્ દ્રવ્યની શ્રેણિઓ પણ કહેવાય. છેવટે લોકાલોક સ્વરૂપ હસ્તામલકવત્ જાણી દેખી શકાય છે, મોક્ષસ્વરૂપ થઇ જવાય છે.
૮૦મા પાઠ ‘જ્ઞાનસંબંધી બે બોલ ભાગ ૪’માં,
જીવ ચૈતન્ય લક્ષણે એક રૂપ છે, દેહ સ્વરૂપે અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. તેની ગતિવિગતિ એટલે જન્મ-મ૨ણ અને મોક્ષ જાણવા યોગ્ય છે. નવ તત્ત્વમાં કેટલાંક ત્યાગવા રૂપ છે, કેટલાંક જાણવા રૂપ છે, કેટલાંક ગ્રાહ્ય રૂપ છે. સઘળાં જાણીએ તો જ ખબર પડે ને ? હવે મુખ્યમાં મુખ્ય વાતનો સદ્બોધ છે. આ બધું જાણવા માટે શું ? શું સાધન ? સ્વયં તો કોઇક જ જાણે છે. માટે નિગ્રંથ જ્ઞાની ગુરુ જોઇએ અને શમ, દમ, બ્રહ્મચર્ય આદિ સાધનો જોઇએ. ટૂંકમાં, આખા દિવસમાં બે ઘડી (૪૮ મિનિટ) જેટલો વખત પણ નિયમિત રીતે જિનેશ્વર પ્રણીત તત્ત્વબોધની પર્યટના કરો એમ સ્પષ્ટ આદેશ આપ્યો છે. વીતરાગના એક સૈદ્ધાન્તિક શબ્દ પરથી પણ જ્ઞાનાવરણીય કર્મનો બહુ ક્ષયોપશમ થશે એમ કહે છે.
૮૧મા પાઠ ‘પંચમકાળ’માં,
કાળચક્ર વિષે જાણવાની જરૂરછે. કાળચક્રના બે મુખ્ય ભેદ, ઉત્સર્પિણી અને અવસર્પિણી. બન્નેમાંછછ આરા છે. બધું મળી વીસ ક્રોડાક્રોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. અત્યારે પાંચમો આરો એટલે પંચમ કાળ ચાલે છે. આ અવસર્પિણી કાળ એટલે બધું જ ઊતરતું છે. એમાં વળી હુંડાવસર્પિણી કાળછે. અસંખ્ય અવસર્પિણી કાળ પછી આવતો આ કાળછે. હુંડ એટલે કદરૂપું, બિહામણું, બીકાળવું, ન ગમે તેવું. આવા કાળમાં સત્પુરુષનો યોગ અતિ અતિ દુર્લભ છે. પાંચમા આરાનું સ્વરૂપ-વર્ણન સાંભળીને ઋષભદેવ પ્રભુના ઘણા શિષ્યો વૈરાગ્ય પામી મોક્ષે પહોંચ્યા. આપણે પણ નિગ્રંથ પ્રવચન અને નિગ્રંથ ગુરુની આરાધનાથી આપણા કર્મની વિરાધના કરીને મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી શકીએ.
૮૨મા પાઠ ‘તત્ત્વાવબોધ ભાગ ૧’માં,
ચૌદ પૂર્વના સાર સમા શ્રી દશ વૈકાલિકજી સૂત્રનાં ૪થાં અધ્યયનની ૧૨મી ગાથાની સાક્ષીએ પ્રકાશ્યું કે, જે જીવાજીવ એટલે ચેતન-જડનું સ્વરૂપ જાણતા નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે ? નવ તત્ત્વ જાણ્યા વિના સંયમમાં સ્થિરતા થાય નહીં. નવ તત્ત્વ જાણવાથી પરમ વિવેક બુદ્ધિ, શુદ્ધ સમ્યકત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. તત્ત્વાર્થ સૂત્ર, સમયસાર, દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, નવતત્ત્વવિચાર વગેરે ગ્રંથોમાં જુદા જુદા આચાર્ય ભગવંતોએ જુદી જુદી રીતે પણ નવતત્ત્વને જ સમજાવેલાં છે. સ્યાદ્વાદ શૈલી પણ સમજવા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org