Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
866
હૃદય નયન નિહાળે જગધણી
તેઓના મતે આત્મા એક જ છે. પ્રાણીમાત્રમાં રહેલો છે, સર્વગત છે, નિત્ય છે અને સત્વ-રજ અને તમો ગુણ તેને બાધિત કરી શકતા નથી.
હવે જૈનદર્શનના મતે, સંગ્રહનય સાપેક્ષ દૃષ્ટિએ દરેક આત્માની સત્તા સ્વરૂપથી એક સરખી હોવાથી એક જ છે. અને આત્માને નિશ્ચયનયના મતે બંધ નથી તેથી આ દર્શન પણ જિનના અંગરૂપે ઘટી શકે છે.
એક બૌદ્ધમત ભેદની વાત કરે છે તો બીજો મિમાંસક મત કે જે વૈદિક છે તે અભેદની વાત કરે છે. આમ બન્ને મત એકબીજાથી વિરુદ્ધ વાત કરતા આર્યાવર્તના આગળ પડતા દર્શનો છે, જેને યોગીરાજે જિનેશ્વર પરમાત્માના બાહુમાં એટલે કે કરમાં-હાથમાં સ્થાન આપીને ભારી એટલે બળિયા લેખાવી એ ઉભય મતને સાધનાપંથે સાધકનું બાહુબળ ગણાવ્યું છે. અનિત્યતાની વાત કરનાર સુગત મત નિર્વેદનું નિદર્શન કરે છે તો નિત્યતાની વાત કરનાર મિમાંસક મત સંવેગનું નિદર્શન કરે છે.
સુગત પર્યાયષ્ટિની સાધનાથી વિકાસની વાત કરતા દુઃખમુક્ત થવાનું જણાવે છે. તે કહે છે કે જીવમાત્રને આ વિનાશી પદાર્થોમાં નિત્યતાનો ભ્રમ થઇ ગયો છે એટલે એમાં રાગી બની સંસારમાં રખડે છે. જે ક્ષણેક્ષણે બદલાઈ રહ્યું છે, બગડી રહ્યું છે, સડી રહ્યું છે, પડી રહ્યું છે, નાશ પામી રહ્યું છે; એમાં નિત્યતાની બુદ્ધિ કરવાથી તારા આ હાલ થયા છે. તારે વારંવાર જન્મ-મરણ કરવા પડે છે માટે દુઃખ મુક્ત થવા વિનાશીનો રાગ છોડ અને વિરાગી બન! અનિત્યથી છુટવા અને દુઃખમુક્ત થવા વૈરાગ્યપ્રધાન સાધનાની વાત કરે છે જે સાધનાનો નેગેટીવ એપ્રોચ છે તેના દ્વારા આત્મામાં જે ચોંટેલું છે તેને ઉખેડવાનું છે અને જે ભરાયુ છે તેને ખાલી કરવાનું છે.
કષાયે આત્માનાં પ્રશાંત સ્વરૂપને આવૃત્ત કરેલ છે.