________________
ભારતીય પ્રાચીન શિપકલા આકૃતિઓની જેમ આ સ્ત્રી-આકૃતિ પણ નગ્ન છે. એમાં એક પગ તૂટેલો છે, જ્યારે બાકીનાં અંગો અકબંધ છે. આમાં બંને પગ સહેજ લચક લઈ વળેલા છે. ડાબો પગ સહેજ આગળ લીધેલ છે, જમણો હાથ કટિ પર ટેકવેલો છે અને ડાબો હાથ આગળ લટકતો રાખેલો છે. એને ભારે અંબોડો જમણી બાજુના ખભા પર ગોઠવાયો છે. ડાબા હાથે છેક બાહુમૂળથી કાંડા સુધી બંગડીઓ પહેરેલી છે, જ્યારે જમણા હાથે કાંડામાં કેવળ બે બંગડી ને કોણીના ઉપરના ભાગમાં બાજુબંધ ધારણ કરેલો છે. તેને કેશકલાપ આકર્ષક છે. તેની દેહલતા સપ્રમાણ છે, પણ હાથ અને પગની લંબાઈ વધુ છે. દેહલતા નાજુક છટાદાર ને મેહક બની છે. મોહેંજો– દડોમાંથી કાંસાની બનેલી ભેંસ પણ મળી આવી છે. લોથલમાંથી કાંસામાં ઢાળેલી પ્રાણી–આકૃતિઓ મળી આવી છે. એમાં કૂતરાની બે આકૃતિઓ, બેઠેલા વૃષભની -તાવીજ તરીકે વપરાતી આકૃતિ, પક્ષીના મસ્તકવાળી સળી, એક સસલું, એક કૂકડો કલાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અહીંથી થોડી તાંબાની પશુઆકૃતિઓ પણ મળી આવી છે પણ એ ઓળખી શકાઈ નથી. મહેજો-દડો, લોથલ વગેરે સ્થાનોએથી મળેલાં ધાતુશિલ્પો નષ્ટ-મીણની પદ્ધતિએ ઢાળેલાં છે.
બીજી શૈલીનાં પાષાણનાં કેટલાંક શિલ્પો બહુધા પોચા ચૂનાના પથ્થર અને આલાબાસ્તર તેમજ સેલખડીમાંથી બનાવેલાં મળે છે. તેમાં હડપ્પામાંથી મળી આવેલ શાલ -ઢેલા પુરુષનું એક પૂતળું (આકૃતિ ૭) સર્વાધિક પ્રસિદ્ધ છે. શાલમાં ઠેકઠેકાણે ત્રિદલની ભાત છે. ત્રિદલમાં સિંદરિયો રંગ ભરી ઉઠાવ આપવાનો પ્રયાસ કર્યો છે. આવી ત્રિદલ ભાત તત્કાલીન અવશેષોમાં ઘણી જગ્યાએ દેખા દે છે. તેથી તે સુ-રની જેમ હડપ્પીય સભ્યતામાં પણ ધાર્મિક મહિમા ધરાવતી હોવાનું મનાય છે. આ પૂતળું કોઈ દેવ, પુરોહિત કે ઘણે ભાગે યોગીનું હોવાનું મનાય છે. એની કાનની બૂટ નીચે કંઠહાર પહેરવાનાં કાણાં રાખેલાં છે. એની લાંબી અર્ધમીંચી આંખો (નાસાગદષ્ટિ) પરથી એ ધ્યાનસ્થ હોવાનું જણાય છે. આત્મિક ભાવ અભિવ્યકત કરવામાં કલાકારને સફળતા સાંપડી છે. એના મુખ પર દાઢી મૂછ છે. માથા પર વાળનાં પટિયાં પાડી એને પટીબંધ વડે ચૂસ્ત રાખવામાં આવ્યાં છે. એનું કપાળ ના ચપટ અને ગાલ ભરાવદાર છે. આ શિલ્પને મળતું આલાબાસતરમાંથી કંડારેલું બેઠેલ અવસ્થાનું એક શિલ્પ મોહેંજો-દડોમાંથી મળી આવ્યું છે. એમાં મસ્તક ખંડિત થયેલ છે.
મોહેજો-દડોમાંથી વિવિધ મુખાકૃતિઓને પ્રગટ કરતાં કેટલાંક મસ્તકો મળી આવ્યાં છે. આમાનું એક મસ્તક ઊપસી આવતાં ગાલનાં હાડકાં, મોટું નાક, જાડા હોઠ અને વિશાળ ભાલથી જુદુ તરી આવે છે. તેની આછી દાઢી અને ગુચ્છાદાર છતાં સરસ રીતે ઓળેલા વાળ પણ તેની વિશિષ્ટતામાં વધારો કરે છે. વાળને એક ગાંઠમાં ગાંઠી ડાબી બાજુએથી ગોળાકાર હેરપીન ભરાવી વ્યવસ્થિત રખાયા છે.