________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
કેટલાક વિદ્વાને આ દશ્યને અર્જુનનું તપ નહિ માનતાં “ભગીરથની તપશ્ચર્યા દ્વારા ગંગાવતરણ” થયાનું દશ્ય હોવાનું માને છે. ધર્મરાજ મંડપમાં ગોવર્ધન પર્વત ઉપાડતા શ્રીકૃષ્ણનું સુંદર શિલ્પ છે. એમાં ઉપરના ભાગમાં ગોપ અને ગોપીએના સમૂહનું પ્રભાવોત્પાદક આલેખન થયું છે. મહિષાસુરમર્દિની-મંડપમાંનાં શેષશાયી વિષ્ણુ અને દેવી મહિષાસુરમર્દિની દુર્ગાનાં શિલ્પો છે. આમાં દુર્ગાનું આલેખન (આકૃતિ ૩૯) વધારે ઉત્કૃષ્ટ થયું છે. એમાં સિંહવાહિની દુર્ગા મહિષમુખવાળા અને મનુષ્ય દેહ ધરાવતા મહિષાસુર અને તેની સેના સાથે ઉગ્ર લડાઈ આપતાં જોવા મળે છે. સમગ્ર આલેખન જોમપૂર્ણ અને જીવંત બન્યું છે. પાછળના સમયમાં એલરામાં આનું અનુકરણ થયેલું નજરે પડે છે, પણ ત્યાં આટલું વેગપૂર્ણ આલેખન થઈ શકયું નથી. “વરાહ મંડપ'માંનાં વરાહ અવતાર અને ગજલક્ષ્મીનાં શિલ્પ ધ્યાન ખેંચે છે. આ મંડપની અંદર રાજા નરસિંહવર્માએ કરાવેલ મહેન્દ્રવર્માની ઊભી અને સિંહવિષ્ણુની બેઠેલી પ્રતિમાઓ તેમજ ધર્મરાજ-રથ’ની દીવાલ પરનું નરસિંહવર્માનું પોતાનું મૂર્તિશિલ્પ પલ્લવ શિલ્પીઓની વ્યકિતશિલ્પ (બાવલાં)ના કંડારકામની સિદ્ધહસ્તતા દર્શાવે છે. અર્જુનરથના ગર્ભગૃહમાં શિવનું મસ્તક ને ગોખલાઓમાં દેવ તથા મિથુનોની આકૃતિઓ નજરે પડે છે. આ રથના પાછલા ભાગમાં શિવના વાહન નંદીની મોટી પ્રતિમા કંડારી છે. દ્રૌપદી રથના ગર્ભગૃહમાં દેવી દુર્ગાની મૂર્તિ દેખા દે છે, જ્યારે એના ગવાક્ષોમાં દુર્ગા ઉપરાંત દ્વારપાલિકાઓની આકૃતિઓ કંડારેલી છે. આ રથની આગળ દુર્ગાના વાહન સિંહની મોટી આકૃતિ કોતરેલી છે.
આ ઉપરાંત આ રથો અને મંડપના વિસ્તારમાં સંખ્યાબંધ શિલ્પો કંડાર્યા છે, જેમાં તપ કરતો બિલાડો અને વાનર-પરિવાર નોંધપાત્ર છે. તપ કરતા બિલાડાની ઉપર ઉંદર દોડતો બતાવ્યો છે. વાનરપરિવારના શિલ્પમાં વાંદરીના ખોળામાં તેનું બચ્ચું સૂઈ રહ્યું છે, જ્યારે વાંદરો વાંદરીના માથામાંથી જ કાઢી રહ્યો છે.