________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
૧૦૧ વટીની પટ્ટિકા પરના અષ્ટકોણની દરેક બાજુએ કીચકાવસ્થામાં બેઠેલાં ઘેટાંબકરાંનાં શિલ્પો દૃષ્ટિગોચર થાય છે. સ્તંભદંડની નીચે કુંભમાં દરેક દિશામાં તમાલપત્રોને ધારણ કરીને ઊભેલા બબ્બે પુરૂષનાં રૂપાંકન તેની ઉપર પલ્લવપંકિતઓ, કમલદલની પંકિતઓ અને મણકાઓની હારમાળાઓ કરેલી છે.
સૌરાષ્ટ્રમાં આ કાલના ઉત્તરાર્ધની સાણા, તળાજા અને ઢાંક-સિદ્ધસર પાસે આવેલી બદ્ધ ગુફાઓમાં ચૈત્યગવાક્ષોનાં અલંકરણ અને સ્તંભની કુંભીઓના વિવિધ ઘાટ નજરે પડે છે. ઢાંકની સમીપમાં એક ટેકરી પાસે કંડારેલી જૈન ગુફાઓ સંભવત: આ કાલના અંત સમયની છે. એમાં પહેલી નાની ગુફામાં પ્રવેશદ્વાર સિવાયની ત્રણ બાજુમાં એક એક ગવાક્ષ કોતર્યો છે ને એ દરેકમાં પાર્શ્વનાથની પદ્માસનસ્થ દિગંબર પ્રતિમા કંડારેલી છે. પ્રતિમાની બંને બાજુ એક એક નાના કદના ચામરધારી છે. તીર્થંકરના મસ્તક પર ત્રિછત્ર અને તેની ઉપર બંને ખૂણામાં એક એક ઊંડતો ગંધર્વ બતાવ્યો છે. આ ગુફાની સહેજ ઉત્તરે ઉપરના ભાગમાં અલ્પમૂર્ત સ્વરૂપે કેટલાંક શિલ્પો કંડારેલાં છે, જે પૈકી આદિનાથ, શાંતિનાથ, પાશ્વનાથ, અંબિકા વગેરે ઓળખી શકાય છે. વીરપુર (જલારામ) નજીક ખંભાલીડા ગામે આવેલી મહાયાની બૌદ્ધોની ગુફાઓ પણ સંભવત: આ સમયના અંતની છે. અહીંની એક ચૈત્યગુફાના પ્રવેશદ્વારની બંને બાજુએ કંડારેલ બોધિસોની મોટા કદની આકૃતિને લઈને આ ગુફાઓ સૌરાષ્ટ્રની બૌદ્ધ ગુફાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. પદ્મપાણિ અને વજપાણિનાં અંશમૂર્ત શિલ્પોમાં બોધિસત્ત્વોની બંને તરફ વૃક્ષો અને તેની છાયા નીચે સેવક-સેવિકાવૃન્દ જોવા મળે છે. ભરાવદાર અને કદાવર દેહ, અંગ-ઉપાંગના વળાંક, રેખાઓ અને મસ્તક પરનું વર્ણન, મુખ પરના ભાવ વગેરે આ શિલ્પોને ક્ષત્રપ અને ગુપ્તકાલના સંક્રાંતિકાલનાં માનવા પ્રેરે છે.
ઈ.સ.ની ૪ થી સદીના ઉત્તરાર્ધ દેવની મોરીનો સ્તૂપ અને એને ફરતો વિહાર ગુજરાતના પ્રાચીન સ્થાપત્યની જેમ શિલ્પની બાબતમાં પણ વિશિષ્ટ ભાત પાડે છે. સ્તૂપની નીચેની પીઠિકામાં વચ્ચે વચ્ચે કરેલી થાંભલીઓનાં કુંભી, સ્તંભ-દંડ અને શીર્ષ સુડોળ અને સુશોભિત છે. પીઠિકાની કેનાલમાં ઇંતેમાંથી બનાવેલાં નીચેથી ઉપર જતાં અનુક્રમે નાના ચોરસ, પત્રલતાઓ અને ટોડલાનાં સુશોભનો પરસ્પર સુસંવાદી અને કલાપૂર્ણ છે. ઉપલી બીજી પીઠિકામાં કંડારેલો ગવાક્ષ પણ વિવિધ અલંકારપૂર્ણ છે. આ પીઠિકા પરના ચૈત્ય–ગવાલોનાં સુશોભનોની અંદર માટીની પકવેલી ધ્યાનસ્થ બુદ્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી હતી. સ્તૂપના ગર્ભની મધ્યમાંથી પણ એક બુદ્ધ-પ્રતિમા પ્રાપ્ત થઈ છે.