________________
૬ : ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ
૧૧૭ સાથે, રમણીયતાનો સંયમ સાથે અને યથાર્થને આદર્શ સાથે જેવો સફળ અને સુંદર સમન્વય ગુપ્તકાલીન કલામાં જોવા મળે છે, તેવો અન્યત્ર દુર્લભ છે.
૧) સામાન્ય લક્ષણે ઈ. સ.ની ૭ મી સદીના પૂર્વાર્ધમાં ભારતવ્યાપી પ્રવાસ કરનાર ચીની યાત્રી યુઅન શ્વાંગે ઠેર ઠેર સેંકડોની સંખ્યામાં ભવ્ય શિલ્પો જોયાં હતાં. એ પૈકીના થોડા જ નમૂના આક્રમણકારોની ઝનૂની ભાંગફોડ અને કાળબળ સામે ટકી શકયા છે. પણ જે નમૂનાઓ બચી ગયા છે, તે અમૂલ્ય છે ને તેમની કલા પરિપૂર્ણતા અને પરિપકવતાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હોવાના પુરાવારૂપ છે. આ સ્તર કેવી રીતે હાંસલ થયું તે એનાં વિશિષ્ટ લક્ષણે તપાસતાં સ્પષ્ટ થાય છે.
(૧) સાર્વભૌમિકતા એ ગુપ્તકલાનું વ્યાવર્તક લક્ષણ મનાયું છે. અનુમૌર્યકાલમાં મૂર્તિ શિલ્પનું સત્ત્વ સ્થાનિક શિલ્પશૈલીઓમાં અભિવ્યકત થતું હતું. ગુપ્તકાલમાં એક સમાન સાર્વભૌમ શૈલીમાં એ બધાંનું પર્યાવસાન થતું જોવા મળે છે. આવી સાર્વભૌમ શૈલી સર્વમાન્ય બની ગઈ ને ઉત્તરકાલમાં આદર્શરૂપ ગણાઇ. એના સર્વસામાન્યપણાને લઈને આ શૈલીમાં વૈવિધ્યને અભાવ અને નિરસતા આવી હોવાનો ઉહાપોહ કરવામાં આવ્યો છે, પણ ગુપ્તકાલની કોઈ પણ બે મૂર્તિઓને સરખાવતાં તેમની વચ્ચે કલાકારની આગવી કલાદ્રષ્ટિને લઈને તફાવત વરતાય જ છે. સર્વત્ર જોવા મળતું આ કલાગત વૈવિધ્ય એને નિરસ બનતી અટકાવે છે. વસ્તુત: આ શિલ્પો અકૃત્રિમ, સ્વાભાવિક અને વાસ્તવિક જણાય છે.
(૨) ગુપ્ત શિ૯૫કલામાં જોવા મળતી પરિપૂર્ણતા અને પરિપકવતા, એના માર્ગદર્શક સિદ્ધાંતો સુસ્થાપિત કરવાને પરિણામે નિપજેલ છે. આવા સિદ્ધાંતોને લગતા કેટલાક શાસ્ત્રગ્રંથો પણ રચાયા, જેમાં વિષ્ણુધર્મોત્તર, શિલ્પરત્ન અને શુક્રનીતિસાર અગત્યના છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનું અનુપાલન મૂર્તિવિધાન, ચિત્રકલા અને નૃત્યમાં પણ થયેલું જણાય છે. સામુદાયિક રૂચિ, સૌંદર્યશાસ્ત્ર અને ધાર્મિક આદર્શોને લક્ષમાં રાખીને બુદ્ધિપૂર્વક આ સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. આમાં શિલ્પ માટે ઘડાયેલ તાલમાન, મુદ્રા, આસનો વગેરે સિંદ્ધાંતો વિશેષ મહત્ત્વ ધરાવે છે.
“તાલ” સાધારણ રીતે મસ્તક પરના વાળથી માડીને હડપચી સુધી ગણાત. તાલને અંગુલ(આંગળ)માં વહેંચવામાં આવતું. એક તાલના ૧૨ અંગુલ ગણાતા. દેવતાઓની મૂર્તિઓ બનાવવા માટે સાધારણ રીતે “દશતાલ–પ્રમાણ ઉત્તમ ગણાતું. આ દશતાલમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ (અનુક્રમે ૧૨૪, ૧૨૦ અને ૧૧૬ અંગુલ) એમ ત્રિવિધ વૈવિધ્ય પ્રવર્તતું. ગ્રીકો અને રોમન “આઠ મસ્તક' (eight