Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ દર્શનાવરણીય કર્મ રાજાના દ્વારપાલ જેવું છે. જેવી રીતે દ્વારપાલ દર્શનાર્થીઓને રાજાના દર્શનથી વંચિત રાખે છે. મહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ કરે છે, તેવી જ રીતે દર્શનાવરણીયકર્મ આત્માને આત્મદર્શનથી દૂર રાખે છે. આ કર્મજીવને પ્રમાદભાવમાં ડુબાડી દે છે. જેથી અપ્રમત્તદશાથી આત્મા લાખો યોજન દૂર જ રહે છે. દર્શનાવરણીય આત્મદર્શન રૂપી રાજાના દર્શનથી વંચિત રહેવાથી જીવ ઉન્માર્ગગામી બને છે. | મધથી લેવાયેલી તલવાર જેવું વેદનીય કર્મ છે. આ કર્મ જીવને ક્ષણભંગુર સુખનો લાલચી બનાવી અને અનંત દુઃખરૂપી સમુદ્રમાં ડુબાડી દે છે. શાતાનો અનુભવ તો ક્યારેક કરાવે છે. પરંતુ અશાતાનો અનુભવ અત્યધિક કરાવે છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટનારો મધુરતાના સુખને તો પ્રાપ્ત કરે છે પરંતુ જીભ કપાઈ જવાથી અસહ્ય દુઃખનો પણ અનુભવ કરવો પડે છે. આથી વેદનીય કર્મ સુખની સાથે અપાર દુઃખનું પણ વેદન કરાવે છે. | મોહનીયકર્મ દારૂ પીધેલા માણસ જેવું છે. દારૂના નશામાં રહેલો માણસ જેમ હોશ-હવાસ ખોઈ બેસે છે. એવી રીતે મોહનીયકર્મથી પ્રભાવિત જીવ આત્મસ્વરૂપને ભૂલી જાય છે અને પરપદાર્થોને આત્મસ્વરૂપ માનવાની ભૂલ કરી બેસે છે. આ જ મુખ્ય કારણ છે સંસાર પરિભ્રમણનું. “મોહમહામદ પિયો અનાદિ, ભૂલિ આપકું ભરમત વાદિ” મોહનીયકર્મ જીવના સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્રના માર્ગમાં અડચણરૂપ છે. જે મનુષ્ય આ મોહનીય કર્મના સ્વરૂપને જાણતો નથી અને એની સ્થિતિનો અનુભવ કરતો નથી તે આત્મવિકાસથી દૂર રહે છે. અહંકાર અને મમકાર છે ત્યાં સુધી જીવ મોહનીયકર્મની જંજીરથી જકડાયેલો રહે છે. અહંકાર અને મમકાર જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ મોહનીયકર્મના બંધન ઢીલા પડતા જાય છે. આ મોહનીયકર્મ બધા જ કર્મનો અધિપતિ છે અને સૌથી વધારે સ્થિતિવાળો છે. મોહનીયકર્મના નિર્દેશનમાં જ બીજા કમ આગળ વધે છે. જીવને શરીર અને આત્માના ભેદજ્ઞાનથી દૂર રાખનાર આ કર્મ છે. સંસારની ભૂલભૂલૈયાઓમાં ભટકાવનાર મોહનીય કર્મછે. બેડી જેવું આયુષ્યકર્મ છે. આ કર્મે શરીરરૂપી બેડી લગાવી દીધી છે. જે અનાદિકાળથી આજ સુધી લાગેલી છે. સજા પૂરી ન થાય ત્યાં સુધી કેદી મુક્ત થતો નથી; તેવી રીતે જીવની જન્મજન્મની સમયમર્યાદા પૂરી થતી નથી ત્યાં સુધી જીવ મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. નામકર્મનો સ્વભાવ ચિત્રકાર જેવો છે. ચિત્રકાર જેવી રીતે પટ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે; તેવી રીતે નામકર્મ ચાર ગતિમાં વિવિધ જીવોના જુદા જુદા નામરૂપ-રંગ પ્રદાન કરે છે. નામકર્મના પ્રભાવથી જીવ આ સંસારમાં નવાં નવાં નામધારણ કરીને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. ગોત્ર કર્મ કુંભાર જેવું છે. કુંભાર અનેક પ્રકારના નાના-મોટા માટલા બનાવે છે. અને જુદા જુદા આકારો આપે છે. તેવી રીતે ગોત્ર કર્મ પણ જીવને ઊંચ-નીચ કુળમાં જન્મ આપે છે. ગોત્રકર્મના પ્રભાવથી જીવ ઊંચા અને નીચા કુળમાં જન્મધારણ કરે છે. અંતરાય કર્મ રાજાના ભંડારી જેવું છે. ખજાનામાં ધન ઘણું હોય છે. પણ તેની ચાવી ભંડારીની પાસે હોય છે. આથી આવેલો યાચક કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કાર્ય આત્મામાં અંતરાયકર્મ કરે છે. આ કર્મના પ્રભાવથી જીવને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી. દાન, લોભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિષયમાં જીવ અંતરાયકર્મના ઉદયથી કંઈ પણ લાભ પ્રાપ્ત કરી શકતો નથી. આ હતો સંક્ષેપમાં જૈનધર્મનો કર્મવાદ. એવી રીતે આત્મવાદ, અનેકાન્તવાદ, દ્રવ્ય, નવત્તત્વ, મોક્ષમાર્ગ આદિ અનેક એવા વિષયોનો સમાવેશ છે; જે જીવના