________________
મહાન અને આશ્ચર્યજનક ઘટના જ લાગે છે. આ સમાજમાં એક ‘પાઠશાળા’ સળંગ-અભંગ સો વર્ષ પૂરાં થાય એ વાત જ માનવામાં ન આવે તેવી છે. સો વર્ષમાં પાંચ-પંદર વાર તો તે બંધ થઈ જ હોય અથવા કોઈ ને કોઈ રીતે ક્લેશ-કંકાસ કે ગજગ્રાહમાં સપડાઈ જ હોય. આપણા સમાજની ધાતુ જ એ પ્રકારની છે કે તેમાં આવું બન્યા વિના ન જ રહે. પણ મહેસાણાપાઠશાળાના સમગ્ર ઇતિહાસમાં આવું નથી બન્યું, તે આપણા સમાજની-સંઘની તથા આપણા સમયની એક વિરલ ઘટના છે.
આ પાઠશાળાના અધ્યાપકોનું માન-સન્માન આજે પણ વ્યાપક અનુભવવા મળે છે. ‘ક્યાંના છો ?’ એમ કોઈ પૂછે, અને તેના જવાબમાં ‘મહેસાણાનો વિદ્યાર્થી છું.' એમ કહે, એટલે આગળ સ્વીકૃતિ અને માન માન્યતા જ હોય; પછી કોઈ જ પ્રશ્ન પુછાય નહિ. સંઘને કેટલો બધો વિશ્વાસ ! કેવો અહોભાવ !
આવો જ વિશ્વાસ અને અહોભાવ હજી પણ દાયકાઓ તથા સૈકા પર્યંત જળવાય, વધતો જ રહે તેવી લાલચ હવે જાગે છે આ સંસ્થા પરત્વે. આજના વિષમ સમયમાં પૂર્વના અધ્યાપક શ્રાવકો હવે વયોવૃદ્ધ બન્યા છે; નવા અધ્યાપકોની સંખ્યામાં વધારો નહિવત્ થાય છે; અને જૈન બંધુઓ પોતાનાં સંતાનોને ધાર્મિક શિક્ષણ આપવા-અપાવવા પ્રત્યે તદ્દન ઉદાસીન બની ગયા છે, એવા કપરા સમય-સંજોગોમાં આ પાઠશાળા પોતાનાં બાહ્ય-આંતર કલેવરોનાં આમૂલ પરિવર્તનો દ્વારા જૈન સંઘને પુનઃ ચેતનવંતો તથા જ્ઞાનલક્ષી બનાવે અને જૂના અધ્યાપકોની ખોટ પૂરે તેવા રૂડા શ્રાવક શિક્ષકો પાછા તૈયાર કરીને સકલ શ્રી સંઘમાં જ્ઞાનનો નાદ જગાડે તથા લગાડે તેવી આશા સેવવી બહુ ગમે છે.
ઘણી વાર પ્રશ્ન થાય છે અને મૂંઝવણ પણ થાય કે જે જૈનોના દેવાધિદેવ પરમાત્માએ માત્ર ‘જ્ઞાન’ની પ્રાપ્તિ કાજે ઘર-સંસાર, રાજ-પાટ, શ૨ી૨ની-મમતા બધું જ તજ્યું, અને ઘોર પરાક્રમ ફોરવીને ‘જ્ઞાન’ પામ્યા તે પરમાત્માના વારસદાર એવા આપણે ‘જ્ઞાન’ પ્રત્યે આટલા બધા ઉદાસીન કેમ ? અજ્ઞાનના આટલા બધા આશક કેમ ?
મૂંઝવણ જ્યારે વધી પડે છે, ત્યારે હતાશ થતા હૈયાને આશામાં ઝબકોળનારું તત્ત્વ છે : મહેસાણા-પાઠશાળા. આ પાઠશાળા ચિરંજીવ રહો અને સદૈવ શ્રી જિનશાસનની તથા શ્રુતજ્ઞાનની ઉપાસના કરતી તથા કરાવતી રહો !
૨૦
Jain Education International
સૌજન્ય : શ્રી મોહનલાલ કપૂરચંદજી જૈન, આબુરોડ
For Private & Personal Use Only
www.jainelibrary.org