________________
વિરલ શ્રુતગંગા....વિરલ ગંગોત્રી
મહેસાણાના ઉપાશ્રયમાં ગુરુભગવંતના મુખેથી પ્રવચન સ્વરૂપે શ્રુતગંગા વહેતી હતી. દિવસો પર્યુષણાના હતા. એથી શાસ્ત્રશિરોમણિ કલ્પસૂત્રની વાચના થઈ રહી હતી. એક અગ્રણી શ્રાવક એનો લાભ લેવા પ્રવચન સ્થળે આવીને વિરાજયા. પણ...આસન ગ્રહણ કરતાંની સાથે જ એમની નજર પોતાના હાથની આંગળી તરફ ગઈ અને એ ચમકી ઊઠ્યા ! ! કારણ કે આંગળી પર ધારણ કરેલ બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકા (વીંટી) પ્રવચનશ્રવણાર્થે આવતાં આવતાં માર્ગમાં જ ક્યાંક પડી ગઈ હતી.
એ મૂલ્યવાન વીંટી શોધવા જવાનો આછો વિકલ્પ મનમાં પ્રગટ્યો ન પ્રગટ્યો, ત્યાં જ એ શ્રુતજ્ઞાનપ્રેમી શ્રાવકે નિર્ણય કરી લીધો કે જે કલ્પસૂત્ર શ્રુતજ્ઞાનમાં શિરોમણિ છે અને જેનું શ્રવણ મુક્તિ તરફ લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે એને છોડીને ભૌતિક મૂલ્ય ધરાવતી સુવર્ણમુદ્રિકા શોધવા જવું નથી જ !! એ પૂર્ણ સ્થિરતાથી એક ચિત્તે કલ્પસૂત્ર શ્રવણનો લાભ લઈ રહ્યા...
આ શ્રુતજ્ઞાનપ્રેમી શ્રાવક હતા મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન પાઠશાળાના સંસ્થાપક શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ. અનેક આચાર્યદેવો, ૧૪૫ જેટલા શ્રમણો તથા સંખ્યાબંધ જૈન વિદ્વાનોની જિનશાસનના ચરણે ભેટ ધરનાર અને શતાધિક પુસ્તકોનું પ્રકાશન કરનાર એ પાઠશાળાને જો જ્ઞાનગંગા ગણીએ, તો જ્ઞાનગંગોત્રીરૂપે નિઃશંકપણે શ્રી વેણીચંદભાઈ ગણી શકાય. એ શ્રુતપ્રેમી શ્રાવકે સ્થાપેલ પાઠશાળા ૧૦૦વર્ષની મંજિલે પહોંચતાં સુધીમાં કલ્પનાતીત વિકાસ સાધી ચૂકી છે અને શ્રુતજ્ઞાનના ક્ષેત્રે જૈન સંઘમાં એક સીમાચિહ્નરૂપ બની ગઈ છે. સંત કબીરે જ્યારે નાનકડું વડનું દાતણ ભૂમિમાં રોપ્યું હશે ત્યારે એમનેય કલ્પના નહિ હોય કે એ ભવિષ્યમાં વિરાટ કબીરવડ રૂપે જામી જશે. બરાબર એવું જ કંઈક આ પાઠશાળા માટે કહી શકાય...અને ખૂબી તો ખરી જુઓ ! જે મહેસાણા જિલ્લામાં (કનોડું ગામમાં) પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા સમર્થ શ્રતધરપુરુષ જન્મ પામ્યા હતા એ જ મહેસાણામાં એમના નામથી પ્રારંભાયેલ પાઠશાળા સો વર્ષથી સતત પ્રવૃત્તિશીલ રહી છે !!!
શતાબ્દી મહોત્સવના આરે આવી ચૂકેલી આ શ્રુતગંગાનો વિકાસ ખરેખર હર્ષપ્રેરક છે. એના શતાબ્દી મહોત્સવ સમયે, આ શ્રુતગંગાનો પ્રવાહ વધુ ને વધુ વેગીલો બને, જરાય સુકાય નહિ અને આવી ઋતગંગાઓ જૈન સંઘોમાં ઠેર ઠેર પ્રવાહિત બને તેવાં નક્કર આયોજનો થાય તો એ, આ શ્રુતગંગાની સાચી ભક્તિરૂપ બની રહેશે અને એની ગંગોત્રી સમા શ્રી વેણીચંદભાઈની સાચી સ્મૃતિ બની રહેશે.
શતાબ્દી યશોગાથા
૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org