________________
ચિરસ્થાયી બની રહો અમારી માતૃસંસ્થા
કાન્તિલાલ નગીનદાસ શાહ (વડાવાળા)
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, જેને લોકો મહેસાણા પાઠશાળાના નામથી વધુ જાણે છે એનું પુણ્ય અજોડ છે. સંસ્થામાં ભણી ઘણા પુણ્યાત્માઓએ દીક્ષા લીધેલ છે અને આચાર્ય પદવી પર પહોંચ્યા છે તથા જૈનશાસનની શાન વધારેલ છે. ઘણા વિદ્યાર્થીઓ પંડિત બનીને જ્ઞાનદાન દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી રહ્યા છે.
સંસ્થાના પ્રતિપાદન જ્ઞાનમાં સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે અને મોક્ષ મેળવવા જેવો છે એ જ મુખ્ય છે. માતૃસંસ્થા ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સૌને આનંદ થાય એ સ્વાભાવિક છે.
અત્યાર સુધીના માતૃસંસ્થાના ઉત્કર્ષમાં દરેક જણે પોતપોતાની રીતે ભોગ આપેલ છે, આપી રહેલ છે. મકાનમાં મૂકેલી દરેક ઈંટ મકાનમાં ઉપયોગી છે છતાં આ પ્રસંગે છ-સાત નામ વધુ યાદ આવે છે.
પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ જેઓ સહર્ષ વિદ્યાદાન કરતા, ભણાવવામાં એવા મશગૂલ બનતા કે સમય ભૂલી જવાતો. ઘણી વખત તો બીજા ક્લાસના વિદ્યાર્થીઓ આવીને ધ્યાન દોરતા. અમારા વિદ્યાગુરુ શ્રી વાડીલાલ મગનલાલ શેઠ ગામે-ગામે પરીક્ષાઓ યોજતા, પાઠશાળાઓ ખોલવામાં મદદ કરતા. પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ ખપ પૂરતું મહેનતાણું લઈને જીવનભર જ્ઞાનદાન અને સંસ્થા માટે ભોગ આપ્યો અને અંતમાં બચત રકમ પણ સંસ્થાને અર્પણ કરેલ.
પંડિતો ત્યારે જ સારું કાર્ય કરી શકે જ્યારે કાર્યકર્તાઓ ખંતીલા હોય, સંસ્થામાં પૂરતું ધ્યાન આપતા હોય. સંસ્થાના પુણ્યથી આજ સુધી સંસ્થામાં સારા કાર્યકર્તાઓની ખોટ નથી પડી. સંવત ૧૯૫૪ની કારતક સુદ ૩ ના શુભ મુહૂર્ત ધર્મવીર શેઠશ્રી વેણીચંદભાઈએ આ સંસ્થામાં પ્રાણ પૂર્યા ત્યારનું બીજ અત્યારે વટવૃક્ષ છે. ત્યાર પછી ડૉક્ટર શ્રી. મગનલાલભાઈ, શ્રી ચીમનભાઈ વકીલ, શેઠ શ્રી અંબાલાલભાઈ, શ્રાદ્ધવર્ય શ્રી જીવતલાલ પ્રતાપશી વગેરેએ સંસ્થાને ખૂબ જ સારી રીતે ચલાવી છે. સંસ્થાની સ્થાનિક કમિટી, પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ વગેરેના સહકારથી આ વૃક્ષને ઘસારો નથી પડ્યો. શ્રી બાબુભાઈ જેસિંગભાઈ તો આ વૃદ્ધ અવસ્થામાં પણ સંસ્થાનું કાર્ય સંભાળી, સહકાર આપી બહુ જ સુંદર રીતે સંસ્થા સંભાળી રહ્યા છે.
|
સૌજન્ય : શ્રી ગિરધરલાલ જીવણદાસ શાહ, જશપરા
(૧૭૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org