________________
જિનભક્તિની અદ્ભુત શક્તિ શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતા (સુઈગામવાળા)
સંસારમાં સોહામણો સમય જો કોઈ હોય તો તે જિનભક્તિવાસિત. જિન ભક્તિએ સાધનાનું મુખ્ય અંગ છે. અનાદિ અનંત સંસારમાં દુઃખોનો અંત જિનભક્તિ વિના નથી જ નથી.
સંસાર એટલે દુઃખોનું ઘર, સંસાર એટલે આપત્તિઓની ખાણ, સંસાર એટલે યાતનાઓની ફેક્ટરી, સંસાર એટલે વિડંબનાઓનો ડુંગર, વેદનાઓનો સાગર, એ સંસારને મહાત કરવા જિનોપાસના રામબાણ ઉપાય છે.
અનાદિકાળથી જીવ પ્રતિસમયે અનંત કર્મો બાંધે છે. એની ઘટમાળ એવી ચાલે છે કે એક ભોગવાય ત્યાં અનેક નવાં બંધાય, જેથી આ ગહન સંસારગર્તામાં જીવ ડૂબતો જ જાય.
કોઈ ભવિતવ્યતાના યોગે એક જીવ સિદ્ધ બનવાના નાતે અનાદિ નિગોદમાંથી નીકળવાનો આત્માને કોઈ દુર્લભ સમય પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યારબાદ વ્યવહાર રાશિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં ભવ્યાત્માને સમુદ્રમાં અટવાતા વહાણને દીવાદાંડીની જેમ જિનેશ્વરભગવંતનો સંપ્રયોગ પ્રાપ્ત થઈ જાય છે. બસ પછી આધિ-ઉપાધિ અને વ્યાધિની આગ જરૂર બુઝાવાની. અર્થાત્ સંસારનો અંત આવવાનો. નાટકીયાના વેષપરિવર્તનની જેમ જીવ અનેક જન્મારાઓમાં અનેક રૂપ ધારણ કરે છે. ભવભ્રમણ કરે છે. તેમાં દૈવયોગે સેવાળમાં પડેલા છિદ્રમાંથી કૂપમંડૂકને ચંદ્રનું દર્શન થાય તેમ દશ દષ્ટાન્ત દોહિલા મળેલા માનવજન્મમાં જૈન ધર્મની પ્રાપ્તિ અને જિનેશ્વરનું દર્શન પ્રાપ્ત થાય છે. અરિહંત પરમાત્માની ઓળખાણ થાય છે.
અરિહંત એટલે જગતનું સાચું સ્વરૂપ ઓળખાવનાર, અરિહંત એટલે વાસ્તવિકતાને સમજાવનાર, અરિહંત એટલે યથાર્થ રાહ બતાવનાર, આ વાત પિસ્તાળીસ આગમની પૂજામાં બતાવેલ છે. “ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા.”
આવા અરિહંત પરમાત્માની ભક્તિ જે પ્રાણી અરિહંત ભગવાન મળવા છતાં કરી શકતો નથી તેણે માનવ જન્મ ફોગટ ગુમાવ્યો છે.
“તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા.”
સૌજન્ય : શ્રી કાંતિલાલ દલીચંદ દોશી, સાવરકુંડલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org