________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૨૩
પરસ્થાન—સ્વસ્થાનથી પ્રતિપક્ષી બાબતોમાં રમણતા તે, અર્થાત્ હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, કષાયો કે ઇન્દ્રિયોની વાસનાઓ વગેરેને આધીન બનવું તે. ટૂંકમાં કહેવું હોય તો ૧અઢાર પાપસ્થાનકોનું સેવન તે (આત્મા માટે) પરસ્થાન કહેવાય.
આરંભ-સમારંભના સાવદ્ય માર્ગમાં પ્રવૃત્તિ, સાંસારિક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ યોગે જોડાણ, અશુભ યોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે વિરાધક કે પરભાવદશામાં રમણતા.
આત્મા જો પાપો કરવાં, કરાવવાં કે અનુમોદવામાં જ ઓતપ્રોત થયો હોય તો સમજવું કે આત્મા પરસ્થાનમાં દોડી ગયો છે કે આડે અવળે રસ્તે પહોંચી ગયો છે. આ અને આના જેવા બીજાં પરસ્થાનો એ જ પરભાવ (ભૌતિકભાવ) રમણતાનાં સ્થાનો છે. આ સ્થાનો સ્વભાવસ્થાનો એટલે કે આત્માનાં પોતાનાં રમણ સ્થાનો નથી.
પ્રમાદ એટલે શું?
પ્રમાદનાં કારણે પરસ્થાનમાં જીવ દોડી જાય છે તો ‘પ્રમાદ’ એટલે શું? પોતાના-આત્માના મૂલભૂત ધ્યેય તરફનું દુર્લક્ષ્ય-ઉપેક્ષા, આથી તેને પ્રમાદ કહેવાય. જીવ કે આત્માનું પોતાનું લક્ષ્ય જોવું, જાણવું અને નિજ ગુણમાં રમવું એ છે. તે લક્ષ્ય પ્રત્યેનું અલક્ષ્યપણું તે જ પ્રમાદ, અને આને લીધે આત્મા મિથ્યાત્વાદિ પાપો તરફ ઢળતો રહે, વિષય-કષાયને આધીન બને, મોહ, માયા, મમતા, આસક્તિ ભાવમાં રમમાણ રહે, જડ કે જડ પદાર્થ પ્રત્યેની જાળમાં ફસાએલો રહે અને પરંપરાએ આત્મા મલીન બન્યો રહે.
૧. ૧૮ પાપસ્થાનકોનાં નામ-~‘પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્રોષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ--અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય, આ અઢારે
પાપવર્ધક સ્થાનો છે.