________________
વિવિધ ચિત્રો સહ સરલ
૨૨
પ્રતિક્રમણ શબ્દનો અર્થ શું છે?
પ્રતિક્રમણ આ શબ્દમાં ‘પ્રતિ' અને ‘ક્રમણ' બે શબ્દો છે. એનો શાસ્ત્રની દૃષ્ટિએ શબ્દાર્થ કરીએ તો પ્રતિ' એટલે પાછું અને ‘ક્રમણ’ એટલે ચાલવું, હઠવું, આવવું, ફરવું તે. પાછા આવવું, હઠવું કે ફરવું પણ શેનાથી? તેનો જવાબ નિમ્ન શ્લોક આપે છે.
स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद्गतः । तत्रैव क्रमणं भूयः
प्रतिक्रमणमुच्यते ॥
પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પાછો પોતાના (મૂલ) સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ.’
જેમ મૂલ માર્ગ ઉપર સીધે સીધે રસ્તે ચાલી જતી એક વ્યક્તિ ભૂલથી આડે માર્ગે ચડી જાય અને તે વખતે કોઈ ભોમિયો તેને મૂલ માર્ગ ઉપર લાવીને મૂકે તે જ રીતે રોજેરોજ આડે રસ્તે ચઢી જતા જીવને ભોમિયા સરખું ‘પ્રતિક્રમણ’ મૂલ માર્ગમાં લાવી દે છે. અર્થાત્ આશ્રવના પાપ માર્ગમાંથી પાછો વાળી સંવર નિર્જરાના માર્ગ ઉપર મૂકે છે, અને એમાંથી જ વીતરાગ અવસ્થાની પ્રાપ્તિનાં બીજો વવાઈ જાય છે.
તાત્પર્ય એ કે પાપ-દોષોથી પાછા હઠવાની જે ક્રિયા તે પ્રતિક્રમણ. અહીં એ પ્રશ્ન થાય કે સ્વસ્થાન અને પરસ્થાન એટલે શું?
સ્વસ્થાન—જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્માના પોતાના ગુણો છે. જે મૂલમાર્ગરૂપ છે એમાં સ્થિરતા, એમાં ત્રિવિધ યોગે ત્રિકરણ ભાવે રમણતા, એમાં જ તન્મય રહેવું એ જીવનું સ્વસ્થાન કહેવાય અને જ્યાં સુધી એ અવસ્થામાં ટકી રહે તો સમજવું કે જીવ પોતાના ઘરમાં છે. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે નિરવઘ પ્રવૃત્તિ કે શુભયોગમાં રહેવું તે. ફલિતાર્થ એ કે સ્વભાવદશામાં રહેવું તે સ્વસ્થાન છે.