________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩
પૂંજીને પછી (અને ચરવળા વગરના ભાઈબહેનોએ બેઠા બેઠા જ) એક ખમાસમણ દેવું. એ દઈને ડાબો પગ ઊભો કરી, યોગમુદ્રાની જેમ (જુઓ ચિત્ર નં. ૪) પેટ ઉપર બે કોણીઓ રાખી, હાથમાં મુહપત્તી રાખી, જોડેલા બન્ને હાથ મુખ આગળ રાખી, એકાગ્રચિત્તથી ‘સકલાર્હત્’થી ઓળખાતું ચૈત્યવંદન કરવાનું છે. તે પહેલાં દરેક ચૈત્યવંદન બોલવા અગાઉ વિશિષ્ટ મંગલાચરણ તરીકે બોલાતી ‘સકલકુશલવલ્લી' આ પંક્તિથી શરૂ થતી શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ બોલવી. દૃષ્ટિ સ્થાપનાચાર્યજી ઉપર અથવા દૂરવાળાએ સ્થાપનાજીની દિશા તરફ અથવા નાસિકાના અગ્રભાગે રાખવી. એકાગ્રતા ટકાવવા માટે દૃષ્ટિને આડી અવળી જ્યાં ત્યાં ચંચળપણે ભમાવવી નહીં, તો જ પ્રતિક્રમણ વધુ શુદ્ધ બનશે.
ખમાસમણ સૂત્ર (થોભવંદન)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
૫. બાર મહિને એકાદ દિવસ પ્રતિક્રમણ કરવા આવનાર મહાનુભાવો આ ક્રિયાના રહસ્ય કે રીતભાતથી અણજાણ હોય છે, તેથી આ ક્રિયા દરમિયાન કેમ બેસવું, ઊભા રહેવું કે વર્તવું, કઈ મુદ્રાથી કઈ ક્રિયા કરવી એનો લગભગ કશો ખ્યાલ નથી હોતો એટલે ચરવળાવાળા ભાઈઓને જોઈને તેઓ પણ ઊભા થઈ ઊંચા થઈ ખમાસમણ કે અન્ય ક્રિયાઓ કરવા મંડી જાય છે. કટાસણા ઉપર ઉભડક થઈ પૂંઠેથી--કુલાથી ઊંચા થઈ જાય છે, પણ નિયમ એવો છે કે ચરવળો જેમની પાસે ન હોય તેનાથી પાછળના થાપાથી ઊંચા થવાય નહીં, પગ ઊંચો નીચો કરી શકાય નહીં. સર્વથા જમીનથી ઊંચા ન જ થવાય તો પછી ઊભા થવાની કે ચાલવાની વાત જ ક્યાંથી હોય! માટે ચરવળા વગરના ભાઈઓએ આ વાત ભૂલવી ઘટે નહીં. અન્યથા વ્રતભંગ થવા પામે છે અને તેથી દોષ લાગે છે.