________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | પ્રાસ્તાવિક પતંજલિ પ્રણીત યોગસૂત્ર ઉપર ધારેશ્વર ભોજદેવે આ વૃત્તિ-ટીકા લખેલી જે ‘રાજમાર્તંડ’ નામથી પ્રસિદ્ધ છે. પતંજલિપ્રણીત યોગસૂત્રના ચાર પાદ છે :
(૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કૈવલ્યપાદ.
૨
પ્રથમ સમાધિપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન :
અધિકૃત યોગનું લક્ષણ, ચિત્ત, વૃત્તિ અને નિરોધપદની વ્યાખ્યા, ચિત્તવૃત્તિનિરોધના અભ્યાસ માટે વૈરાગ્ય સ્વરૂપ બે ઉપાયના સ્વરૂપનું અને ભેદનું કથન, સંપ્રજ્ઞાતયોગના અને અસંપ્રજ્ઞાત યોગના પ્રધાન અને ગૌણભેદનું કથન, અસંપ્રજ્ઞાતસમાધિ અને તેના ફળના લાભનો સરળ ઉપાય ઈશ્વરનું પ્રણિધાન હોવાથી ઈશ્વરના સ્વરૂપ, પ્રમાણ, પ્રભાવ, વાચક, ઉપાસના અને ઉપાસનાના ફળનું કથન, ચિત્તના વિક્ષેપોના પ્રતિષેધના ઉપાયરૂપ એકતત્ત્વ અભ્યાસ, મૈથ્યાદિભાવો, પ્રાણાયામ વગેરે, સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિના પૂર્વાંગ સ્વરૂપ વિષયવતી પ્રવૃત્તિ ઇત્યાદિનું કથન,લક્ષણ સહિત ફળ સહિત અને પોત-પોતાના વિષય સહિત સમાપત્તિનું સ્વરૂપ, સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિનો ઉપસંહાર અને સબીજસમાધિના કથનપૂર્વક નિર્બીજસમાધિનું કથન.
આ રીતે પાતંજલયોગસૂત્ર ભાગ-૧માં ઉપરોક્ત પદાર્થોનું વર્ણન કરેલ છે.
દ્વિતીય સાધનાપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન :
યોગના અંગભૂત એવા ક્લેશોની અલ્પતા ક્રિયાયોગથી થાય છે તે ક્રિયાયોગ બતાવીને ક્રિયાયોગથી ક્લેશોનું તનૂકરણ થાય છે તે ક્લેશોના ઉદ્દેશ, સ્વરૂપ, કારણ, ક્ષેત્ર અને ફળનો નિર્દેશ, ક્લેશોનું ફળ કર્મ છે, તેથી કર્મના ભેદ, કારણ, સ્વરૂપ અને ફળનો નિર્દેશ, કર્મનું ફળ કર્મોનો વિપાક છે, તેથી કર્મના વિપાકનું સ્વરૂપ અને કારણનો નિર્દેશ, ક્લેશોનું ત્યાજ્યપણું, ત્યાજ્ય એવા ક્લેશોનો ત્યાગ જ્ઞાનથી થતો હોવાથી અને જ્ઞાન શાસ્ત્રને આધીન છે તેનું કથન, શાસ્ત્ર દ્વારા હેય એવા ક્લેશોના હાનના કારણો અને ઉપાદેય એવા યોગના ઉપાદાન કારણોનો બોધ, યોગીઓ હેયનો ત્યાગ કરવા અર્થે ચાર ગુણપર્વોને આશ્રયીને ધ્યાનમાં ઉદ્યમ કરે છે, તેથી હેય ચતુર્વ્યૂહાત્મક, ચતુર્વ્યૂહાત્મક હેયના હાન વગર યોગના સ્વરૂપની પ્રાપ્તિ થતી ન હોવાથી હાન સહિત ચતુર્વ્યૂહનો સ્વ-સ્વકારણ સહિત નિર્દેશ, ઉપાદેયના કારણભૂત એવી વિવેકખ્યાતિના કારણભૂત એવા અંતરંગ ભાવરૂપે અને બહિરંગ ભાવરૂપે રહેલા આઠ યોગાંગોમાંથી યમ અને નિયમરૂપ યોગાંગનું ફળ સહિત કથન અને ત્યારપછી આસનથી માંડીને ધારણા પર્યંતના યોગાંગોનો પરસ્પર ઉપકાર્ય-ઉપકારકભાવ બતાવીને પ્રત્યેકના લક્ષણ અને ફળનો નિર્દેશ.
આ રીતે પાતંજલયોગસૂત્ર ભાગ-૧માં પ્રથમ અને દ્વિતીયપાદના ઉપરોક્ત પદાર્થનું વર્ણન કરેલ
છે.
પરમપૂજ્ય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ચારે પાદના કેટલાક સૂત્રો ઉપર જૈનમતાનુસારી વ્યાખ્યા કરીને તે તે પદાર્થોની સમાલોચના કરેલ છે. તેમાંથી પ્રથમ અને દ્વિતીય પાદમાં નીચે મુજબ પદાર્થોની વિચારણા કરેલ છે :