Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
પ્રતિહાર વડે નિવેદન કરાયેલો અંદર પ્રવેશ્યો અને પ્રણામ પૂર્વક બેઠો. આર્દ્રક રાજાના પ્રધાન પુરુષોએ ભેટો સમર્પણ કરી, અભયને પણ આર્દ્રકુમારે મોકલેલા ધરેણાં/ભેટણાઓઆપ્યા તે દેખીને વાહ ! સુંદર છે. એમ કહેતા શ્રેણીક વિગેરે વિસ્મય પામ્યા ! આર્દ્રકુમારનો સંદેશો કીધો. જિનવચનના કૌશલ્ય થી સ્વચ્છ બુદ્ધિવાળા અભયે વિચાર્યુ કે ખરેખર આ ભવાંતરમાં જરાક વિરાધેલ સંયમવાળો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. પરન્તુ નજીકમાં મોક્ષે જવાવાળો છે. તેથી મારી સાથે પ્રીતિ કરવાની ઈચ્છા કરે છે. અભવ્ય-દુર્ભવ્ય અને ગુરુકર્મવાળાને મારી સાથે મૈત્રી કરવાનો મનોરથ પણ ન સંભવે. જેથી કહ્યુ છે....
૧૨
‘‘એકસ્વભાવપણાથી અને ફળ હેતુથી પ્રાયઃ કરીને સમાન પુણ્ય પાપવાળા જીવોની મૈત્રી (પ્રીતિ) થાય છે.' તેથી કોઈ પણ ઉપાયથી જિનધર્મમાં પ્રતિબોધ કરીને શ્રેષ્ઠ બંધુપણું પ્રગટ કરું ! કેમકે ‘“પ્રમાદરૂપ અગ્નિથી બળતાં એવાં ભવગૃહમાં મોહ નિદ્રાથી સુઈ રહેલાં આત્માને જગાડે તે તેનો પરમબંધુ છે.''
‘“કદાચ જિનપ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ થશે; તેથી ભેટના બ્હાને ભગવાનની પ્રતિમા મોકલું.'' એમ વિચારી પ્રશાંત અને મનોહર રૂપવાળી સર્વ રત્નમય યુગાદિદેવની પ્રતિમા તૈયાર કરી અને પેટી મધ્યે ડાબડામાં સુરક્ષિત રીતે મુકી; તેની આગળ ધૂપધાણીયું ઘંટાદિ પૂજાના ઉપકરણો મૂક્યા. અને તાળું મારી પોતાની મુદ્રાથી મુદ્રિત કરી. અને જ્યારે શ્રેણીક રાજાએ આભરણ વિ. ઘણું દ્રવ્ય આપીને આર્દ્રક રાજાના પુરુષોને વિદાય કર્યા ત્યારે તેઓને પેટી આપી. અને તેઓને કહ્યું કે. મારી તરફથી આર્દ્રકુમારને કહેજો કે ‘‘અમારી ભેટ એકાંતમાં એકલાયે સીલ તોડીને પેટી ખોલીને દેખે. પણ અન્ય કોઈને ન દેખાડે’” ‘“એમ થાઓ’
એમ કહી પુરુષો નીકળ્યા. સતત પ્રયાણો વડે આર્દ્રપુર પહોંચ્યા. પૂર્વક્રમથી સર્વ યથોચિત કરી કુમારના ભવનમાં ગયા. અભયકુમારે જેમ કહ્યું હતું તે પ્રમાણે કહ્યું. ત્યારે આર્દ્રકુમાર ઓરડામાં ગયો. પેટી ખોલી તેટલામાં સ્વપ્રભાના સમૂહથી દશ દિશાઓને ઉદ્યોદિત કરતી પ્રતિમા દેખીને અહો ! આશ્ચર્ય છે કે પૂર્વે નહિં જોયેલું આ કાંઈક છે. તેથી શું આને મસ્તકમાં પહેરું કે કાનમાં કે કંઠમાં અથવા બાયુગલમાં કે હાથમાં પહેરું ? હું આનું કાંઈ સ્વરૂપ જાણતો નથી. વળી આ કાંઈક ક્યાંય પૂર્વે જોયેલું લાગે છે. તો આ