Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૦૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પત્થર મારતાં કશી બુમાબુમ કરતો નથી. ત્યારે સજીવને પત્થર મારતા બુમાબુમ કરે છે. બસ તેજ જીવની હયાતીની નિશાની છે. આ પ્રથમ સ્થાનક થયું. આના વડે નાસ્તિક મતનો નિરાસ કર્યો. ‘કોઈ દિવસ પણ નાશ નહિં પામનાર; જે ક્યારેય ઉત્પન્ન થતું નથી. તેમજ સ્થિર અને સદા એક રૂપે જ રહે છે.” આવી નિત્યની વ્યાખ્યા અન્યમતની જાણવી. જૈન સિદ્ધાંત પ્રમાણે તો “પરિણામ બદલવા છતાં જે દ્રવ્યરૂપે સદાકાળ રહે” તે નિત્ય. આત્માનો દેવનરાદિ રૂપે પરિણામ બદલાય છે. તે આત્મા સર્વથા નાશ ક્યારેય પામતો નથી. તેથી જ તો પૂર્વે કરેલ કાર્યાદિનું સ્મરણ થઈ શકે છે. નહિ તો ચૈત્રે કરેલું મૈત્રને યાદ આવતું નથી. તેમ પૂર્વ આત્માથી ઉત્તર આત્મા અત્યંત અલગ માનતાં તેણે કશું જ યાદ ન આવે. આના વડે ક્ષણિકવાદી એવા બૌદ્ધ મતનો નિરાસ થયો. આ બીજું સ્થાનક થયું.
તેજ જીવ શુભાશુભ કર્મને કરે છે; જો અન્યકર્તા માનીએ તો કતનાશ - કરેલા કર્મનો ભોગવ્યા વગર છુટકારો થઈ જવો, જેમ જો આત્મા ક્ષણિક હોય તો હિંસા કરનાર આત્મા જુદો હતો. અને તે આત્મા તો તે હિંસાજન્ય કર્મને ભોગવ્યા વગર જ નાશ પામી ગયો. એટલે તે કર્મથી છુટકારો પામી ગયો. અકૃતાગમ - નહિં કરેલા કર્મની પ્રાપ્તિ થવી. જેમ ઉત્તર આત્માએ તો હિંસા કરી નથી છતાં તેણે તે કર્મ વિપાક ભોગવવો પડે છે. આ રીતે બૌદ્ધને આ બે દોષ લાગી શકે છે.
તેમજ કપિલમત - સાંખ્યો પ્રકૃતિને કાર્ય કરનાર માને અને આત્મા તેને ભોગવે છે માટે તેમને (સાંખ્ય)ને એ બે દોષ લાગે છે. માટે કર્તા અને ભોક્તા આત્મા જ છે. એમ માનવું આનાથી સાંખ્યમતનો નિરાસ થયો. આ ત્રીજું સ્થાન થયું.
પોતે કરેલા કમોં પોતેજ ભોગવે છે. એટલે સુખ દુઃખ પુણ્ય પાપથી જન્ય છે. આનાથી જીવ અકર્તા છે. તે મતનો નિરાસ કર્યો આ ચોથું સ્થાન.
સકલકર્મ મુક્ત જીવનું અવસ્થાન રૂપ મોક્ષ છે. આના વડે દીવો જેમ ઉપર નીચે જતો નથી. દિશા કે વિદિશામાં જતો નથી. પણ ક્ષય થવાથી માત્ર શાંત થઈ જાય છે. તેમ જીવ ઉપર નીચે ક્યાંય ન જતાં માત્ર લેશ ના ક્ષયથી શાન્તિ (અભાવ) ને પામે છે. આ પ્રમાણે સર્વ અભાવ પ્રતિપાદક દુર્નયનો (બૌદ્ધમતનો) નિરાસ કર્યો. તે પાંચમું સ્થાન,
તે મોક્ષના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉપાય છે. આનાથી મોક્ષ ઉપાયનો અભાવ પ્રતિપાદન દુર્નયનો નિરાસ થયો આ છઠું સ્થાન.