Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૭૧) જેવો રાજા તેવી પ્રજા” આ કહેવત સાચી ઠરી, પણ તેવું નગર દેખી દુભાયેલા મનવાળાં રાજપુરોહિતે રાજાની આગળ તે સૂરીશ્વરની હયાતીમાં જ કહ્યું કે હે દેવ ! બાહ્ય આડંબરમાં હોંશીયાર અપવિત્ર આ પાખંડીઓથી શું વળવાનું? આ સાંભળી સૂરિએ અનેક યુક્તિથી પુરોહિતને નિરુત્તર કરી દીધો. ત્યારે અનુકૂલ વચનોથી રાજાને ભંભેરવાનું શરૂ કર્યું. એ (સૂરિ/સાધુ) મહાતપસ્વી છે. સર્વગુણોનું ઘર, મહાસત્વશાળી, દેવ દાનવોથી પણ પૂજાયેલાં, ત્રિભુવનમાં પણ ગૌરવશાલી છે. તેથી હે રાજન ! જે માર્ગે આ સાધુ ભગવંતો ચાલે તે માર્ગમાં તમારે ચલાય નહિં. કારણ કે એમનાં પગલાં ન ઉલ્લંઘાય તેમાં મોટી આશાતના લાગે. દુર્ગતિ થાય તેથી ગુરુને વિદાય કરો.
આ વચનોથી ભરાઈ જવાનાં કારણે રાજાને તે પુરોહિતની વાત સાચી લાગી ગઈ. પણ કેવી રીતે વિદાય કરવા ? પુરોહિત-અષણા કરાવો. પુરોહિતનાં કહેવા પ્રમાણે નગરમાં અનેષણા ફેલાવી નગરજનો પણ આધાકર્મ વિ. થી વધારે લાભ થાય છે એમ માની લોકો દોષિત ભક્ત પાન બનાવા લાગ્યા.
એવું અપૂર્વ કરતા દેખી સાધુઓએ ગુરુને વાત કરી અને તપાસ કરતાં રાજાનો અભિપ્રાય જાણી પર્યુષણ પહેલાં જ મહારાષ્ટ્ર દેશમાં ભૂષણ સમાન પ્રતિષ્ઠાન નગર ભણી વિહાર કર્યો અને ત્યાં જણાવ્યું કે અમે ન આવીએ ત્યાં સુધી પર્યુષણ કરતાં નહિં. ત્યાં વળી પરમ શ્રાવક શાતવાહન રાજા છે. તે સૂરિને આવતાં જાણી વાદળાં ના આગમની ઉત્કંઠા રાખતો મોર જેમ વાદળા આવતા હર્ષઘેલા બને તેમ તે ઘણોજ હર્ષ પામ્યો. અનુક્રમે આચાર્યશ્રી ત્યાં આવતા સપરિવાર ચતુવધિ સંધ સાથે સામે આવ્યો. અને ભાવપૂર્વક વંદન કર્યું. અને સ્તુતિ કરતાં બોલ્યો કે... “ભવ્યકમલોને બોધ પમાડનાર ! મોહ અંધકારના પ્રસારને દૂર કરવામાં સૂર્યસમાન ! અભિમાનનાં શિખરે નર્તન કરનાર પરવાદી રૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહસમાન ! નમતાં રાજાઓનાં મુગુટમણિઓના કિરણોથી જેમનાં ચરણ કમલ ચમકી રહ્યા છે. જિનશાસનની ઉન્નતિ કરવામાં મશગૂલ બનેલાં, કલિયુગના કલંક રૂપ મલને દૂર કરવા માટે પાણી સમાન ! વર્તમાન શ્રત દરિયાનો પાર પામેલા ! ફેલાતા/આત્મા તરફ સરકતાં દર્પકંદર્પ રૂપી સાપનું શિર છેદવામાં તીણ કુહાડી સમાન ! સર્વગુણોનાં નિવાસ સ્થાન! કરુણામાં તત્પર ! શ્રેષ્ઠ ચારિત્રવાળાં યુદ્ધ વગરના ! સજ્જનો જેમનું નામ લે છે. એવાં પુરુષોત્તમ ! હે મુનિનાથ !