Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પરત્વે બૌધ્ધ અને જૈન સમાન વલણ ધરાવે છે. આથી બંને ધર્મના પ્રાણભૂત અંશને સમાન અભિવ્યક્તિ આપતાં બૌધ્ધ ધર્મનાં પ્રચલિત કથાનકોને જૈન પરંપરામાં સ્વાભાવિક સ્થાન મળી ચૂક્યું છે. જાતક અને અવદાન સાહિત્યનાં આવાં કેટલાક કથાનકો જૈન પરંપરામાં પણ નિરૂપાયાં છે. કેટલાક કથાનકો બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તા વિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયેલાં છે. રાસાઓનો પણ મોટો ભાગ લોક પરંપરાની પ્રચલિત કથાઓમાંથી લેવાયો છે. ત્રણે ધારામાં પ્રાપ્ત થતાં હોય એવાં કથાનકોનો તુલનાત્મક અભ્યાસ ભારતીય કથાઓનાં મૂળ પર વિશેષ પ્રકાશ પાડી શકે છે.
અન્ય ધારાના, સવિશેષ તો બ્રાહ્મણ ધારાના કથાનકો,જૈન ધારામાં પ્રવિષ્ટ થયાનાં બે મુખ્ય કારણ સ્પષ્ટ છે. એક તો એ કે બ્રાહ્મણ ધારાની કેટલીક કથાઓ તો એટલી રસપ્રદ અને લોક હૃદયમાં સ્થાન પામી ચૂકેલી હતી કે કેવળ કથાના આકર્ષક સાધને ધર્મ પ્રચાર કરવા ઇચ્છતા યતિઓને સહેજે એ સ્વીકારવી પડે. બીજું એ કે એક પક્ષે તે કથાનાયકો પોતાના ધર્મ પંથના હતા એવું પ્રસ્થાપિત કરી ધર્મ પંથનું ગૌરવ વધારી શકાય, તો બીજે પક્ષે એ નાયકોના જીવનની ક્ષતિઓ અને ધર્મસિધ્ધાંતની અગ્રાહ્યતા દર્શાવી એ દ્વારા પોતાના ધર્મની મહત્તા પ્રગટ કરી શકાય.
પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથા સાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌધ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈન ધારાનું કથા સાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રંથોના નિર્માણ કાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મસિધ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈનધર્મની ધારા બૌધ્ધની અનુગામી છે. છતાં ડૉ.એ એન. ઉપાધ્યે જેને ‘માગધી-ધર્મ’ એવું નામ આપે છે તેની શાખા તરીકે દાર્શનિક રૂપમાં જૈનતત્ત્વ વિચારણાની ધારા બૌધ્ધ જેટલી જ પ્રાચીન છે. આ ધારાને મૂળ ધર્મગ્રંથ ‘આગમ’ આજના એના ઉપલબ્ધ સ્વરૂપમાં વહેલામાં વહેલો ઇસુની પહેલી સદીમાં રચાઇ ચૂક્યો હતો એ નિશ્ચિત છે.’’` જૈન કથા સાહિત્યના ઉદ્દગમ વિશે ડૉ. કવિન શાહ લખે છે કે,
‘જૈન સાહિત્યના બે પ્રકાર છે. આગમિક અને અનાગમિક. આગમિક એટલે ૪૫ આગમ આદિ મૂળભૂત ગ્રંથોને આધારે સ્પષ્ટીકરણરૂપે લખાયેલા ગ્રંથો. અનાગમિક એટલે આગમિક સાહિત્ય સિવાયની કૃતિઓનું સાહિત્ય.
અનાગમિક સાહિત્યના એક ભાગરૂપે ગદ્ય-પદ્યમાં રચાયેલું કથા સાહિત્ય ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગ એટલે ધાર્મિક વિષયો-સિધ્ધાંતોને સ્પષ્ટ-ચરિતાર્થ કરતી કથાઓનો સંચય. ધર્મકથાનુયોગમાં મહાપુરુષોએ જીવનમાં શાસ્ત્રોકત આચાર
8