________________
પ્રસ્તાવના
ઘણા સમય પૂર્વે શરૂ કરેલ ‘જયવીયરાય સૂત્ર' પરનું વિવેચન દેવ-ગુરુ-ધર્મના અચિંત્ય પ્રભાવથી પૂર્ણાહૂતિને પામેલ
જૈનસંઘમાં પ્રભુપૂજા-ચૈત્યવંદન દૈનિક આવશ્યક છે. હંમેશ હજારો પુણ્યાત્માઓ પ્રભુપૂજા-ચૈત્યવંદનની આરાધના કરે છે. તેઓને આમાં ભાવની વૃદ્ધિ થાય તથા બીજા પુણ્યાત્માઓ પણ આરાધનામાં જોડાય એ માટે પ્રસ્તુત પ્રયાસ કરેલ છે.
ચૈત્યવંદનમાં સામે પ્રતિમાજીના માધ્યમથી જિનેશ્વરદેવને વંદના કરાય છે. આ વંદનામાં જેટલો ભાવ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય તેટલી જબરદસ્ત કોટિની કર્મનિર્જરા થાય, સાથે પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ થાય. વંદનાનું અમાપ ફળ છે.
આ વંદના માટેના સૂત્રો ગણધર ભગવંતોએ નિર્માણ કરેલ છે, અત્યંત ભાવવાહી છે. સૂત્રોના એક એક પદો પણ ખૂબ જ ભાવો અને રહસ્યોથી ભરેલા છે. જો અર્થ વગેરે સમજીને એકાગ્રતા સાથે કરાય તો પ્રભુ પ્રત્યેના અત્યંત ભક્તિભાવને હૃદયમાં ઉભો કરવા સમર્થ છે. અનેક પુણ્યશાળી જીવોએ આ ચૈત્યવંદન દ્વારા જબરજસ્ત દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિને પ્રાપ્ત કરી છે.
અત્યંત ભાવપૂર્વક પ્રભુને વંદન-સ્તવના કર્યા પછી અંતે ‘જયવીયરાય સૂત્ર’ બોલાય છે. આ સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવાય