________________
૨ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો
ચંદ્રકાન્ત મહેતા
ગુજરાતી સાહિત્યના મધ્યકાળનું સમયફલક ઈ. ૧૨મી સદીથી ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધીનું ગણાયું છે. એ સમયગાળામાં ઘણાં સાહિત્યસ્વરૂપો ઉદ્દભવ્યાં, વિકસ્યાં, રૂપાંતરિત થયાં અને કાળગ્રસ્ત થયાં. ગુજરાતી ભાષાની દૂરદૂરની સીમા આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણ સિદ્ધહૈમ' પાસે મૂકી શકાય. એમાં તે સમયે બોલાતી ભાષામાં પ્રચલિત ભિન્ન ભિન્ન પ્રકારનાં મુક્તકો છે. એથી સાહિત્યસ્વરૂપોની ચર્ચાનો આરંભ મુક્તકોથી થાય તેમાં ઔચિત્ય છે.
મુક્તક : મુક્તકતને ડોલરરાય માંકડ લઘુકાવ્યનો એક પ્રભેદ માને છે. એ સ્વરૂપ મૂળ તો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યું છે. દંડીએ તથા “અગ્નિપુરાણ'માં મુક્તકની આપેલી વ્યાખ્યા પરથી એટલું તારવી શકાય છે કે એ ચાર ચરણનું હોવું જોઈએ, એમાં ચમત્કારક્ષમતા હોવી જોઈએ. આમાંનું પહેલું લક્ષણ કાવ્યના બાહ્ય સ્વરૂપ પરત્વે છે, જ્યારે બીજું લક્ષણ અંતઃસ્વરૂપ પરત્વે છે. ડોલરરાય માંકડ મુક્તકમાં વસ્તુપસંદગી અને ભાવાભિવ્યક્તિ બનેમાં મિતાક્ષરતા હોવી જોઈએ એમ માને છે. આ ઉપરાંત એક શ્લોક કે એક કડીમાં પૂરું થતું હોય, એનો વિચાર એક જ વાક્યમાં વ્યક્ત થાય એવો હોય, એમાં ચમત્કૃતિ હોય, એકાદ સંચારી ઊર્મિ હોય, એટલાં તત્ત્વો પણ એમણે આવશ્યક માન્યાં છે. કાવ્યનુશાસન'માં મુક્તક વિષેની ટીકામાં, મુક્તક એક જ છંદમાં હોવું જોઈએ એમ જણાવ્યું છે. આ લક્ષણ મુક્તકની સમગ્રતાની દષ્ટિએ અગત્યનું છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તકનો પ્રકાર સ્વતંત્ર રીતે પ્રબંધો, રાસાઓ, કથાઓ, તેમજ લોકસાહિત્યની દુહાબદ્ધ વાર્તાઓમાં મળે છે. એ મુક્તકો