________________
~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
* મારું આયખું ખૂટે જે ઘડીએ... જો દીકરા ! ધ્યાનથી સાંભળ. બરાબર સાડા ચાર કલાક બાદ મારું મૃત્યુ થશે. અત્યારે છ વાગ્યા છે. તું એક કામ કર. પેલા બેનને બોલાવી લાવ કે જેમને પુણ્યપ્રકાશનું સ્તવન આવડે છે. એ મને અંતિમ આરાધના કરાવી દે.”
૪૨ વર્ષની ઉંમરની એક માએ પોતાના ૧૨ વર્ષના નાનકડા દીકરાને આ સૂચના કરી.
મુંબઈ ઓપેરાહાઉસ પાસેનો એ ફલેટ ! રાધનપુરનગરીના એ ધર્મિષ્ઠ શ્રાવિકાબેન ! ૩૯ વર્ષની ઉંમરે જ વિધવા થયા. પણ પૈસે ટકે સુખી હોવાથી બીજી કોઈ ચિંતા ન હતી. એ બહેનને ૪૨ વર્ષની ઉંમરે કેન્સર થયું, ઉપચારો ચાલુ થયા, છ મહિના પસાર થયા અને એક વહેલી સવારે છ વાગે એ બાએ પોતાના દીકરાને ઉપર મુજબ સૂચના કરી.
દીકરો હતો તો નાનો ! માત્ર ૧૨ વર્ષનો ! પણ ઘણો સમજુ, ઠરેલ ! દીકરાને આશ્ચર્ય ચોક્કસ થયું કે બાને એ ખબર કેવી રીતે પડી કે સાડા ચાર કલાક બાદ મારું મોત છે.” પણ અત્યારે એની ચર્ચા કરવાનો અવસર ન હતો. “બા ! આપણા સગા-વ્હાલાઓને બોલાવી લઉં.” દીકરો બોલ્યો.
ના ! અત્યારે જિનપૂજાનો સમય છે. આપણે કોઈને એમાં અંતરાય નથી કરવો. વળી મારે જે આરાધના કરવી છે. એમાં એ બધાનું આગમન નડતરભૂત બને. તું એ બધાને પછી બોલાવજે...” બાએ તરત ના પાડી.
“ભલે બા ! પણ પુણ્યપ્રકાશનું સ્તવન તો મને પણ આવડે છે. તે જ મને શીખવાડેલું છે. મને બધી આરાધના કરાવતા આવડે છે. તો હું જ તને આરાધના કરાવી દઉં તો?” ૧૨ વર્ષનો દિકરો બોલ્યો. બાએ સહર્ષ રજા આપી અને દીકરાએ બધી આરાધના કરાવી.
એ પછી દીકરાએ નજીકના લોકોને બોલાવ્યા, દવા કરતા ડોક્ટરને પણ બોલાવ્યા. ડોક્ટર ઈંજેક્શન તૈયાર કરવા લાગ્યા પણ બાએ કહ્યું કે “ડોક્ટર સાહેબ ! આજે તમને એના માટે નથી બોલાવ્યા, આજે તમને મારું મૃત્યુ જોવા બોલાવ્યા છે...” બાના એ સ્પષ્ટ શબ્દો બધાને અચંબો પમાડતા હતા. પથારીમાં પડ્યા પડ્યા છેલ્લી મિનિટોમાં પણ બા કેટલા બધા સ્વસ્થ લાગતા હતા !
આજે મારી ભાવના ઉપવાસ કરવાની હતી, પણ જો હું દવા ન લઉં તો મને મરણ વખતે સમાધિ ટકવી અઘરી હતી. એટલે નાછૂટકે નવકારશીનું પચ્ચકખાણ કર્યું છે, દવા લીધી છે. જેથી સમાધિથી મરું.” બાએ દીકરાને કહ્યું અને પશ્ચાત્તાપના આંસુઓએ બાની આંખોને ભીંજવી નાંખ્યા.
૧૦-૨પનો સમય થયો, બા બોલ્યા “હું મારી રીતે નવકાર બોલું છું. જો મારી જીભ અટકી પડે તો પછી તમે બધા નવકાર બોલવા માંડજો...” અને ખામો અરિહંતાપ ધીમે છતાં અષ્ટોચ્ચાર સાથે બાએ નવકાર બોલવાના શરુ કર્યા...