________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ એક પ્રશ્ન પૂછું? અહીં જે પણ આવે છે, એ પહેલેથી સમાચાર મોકલી દે છે, કે અમે આ દિવસે આટલા ઠાણા આવવાના છીએ... અને એ યોગ્ય પણ છે. ઉપાશ્રય-પાણી વગેરે તૈયાર રાખવાની ખબર પડે ને ! તો આપ કેમ કશું કહેવડાવ્યા વિના આવ્યા ?”
“અમારે મુંબઈ પહોંચવાનું છે, પૂજ્ય ગુરુભગવંત પાસે ! તેઓશ્રીએ અમને જણાવ્યું છે કે ક્યાંય સૂચના આપવી નહિ કે કાર્યક્રમ નિશ્ચિત કરવો નહિ. કારણ કે રસ્તામાં આવતા ગામોશહેરોમાં સંઘોની લાગણી, ભાવના હોય તો ક્યાંક એકના બે-ત્રણ દિવસ પણ રોકાઈ જવું જરૂરી બને. જો પહેલેથી સૂચના કે નિશ્ચિત કાર્યક્રમ આગળના સ્થાનોમાં આપી દીધો હોય, તો વચ્ચેના પ્યાસા ક્ષેત્રોમાં રહી ન શકાય. આ જ કારણસર કોઈ કાર્યક્રમ પણ છપાવતા નથી.”
“તો હવેનો પ્રોગ્રામ શું છે ?” “કોઈ પ્રોગ્રામ નથી. બસ, આવતી કાલે વિહાર કરશું.”
“એ બિલકુલ નહિ ચાલે.” બોલતા બોલતા ભાઈનો સ્વર ભીનો બની ગયો. એમાં લાગણી મિશ્રિત આગ્રહ ભળી ગયો હતો. “તમે જ કહ્યું છે કે ગુરુવરે કાર્યક્રમ નિશ્ચિત કરવાની ના પાડી છે. તો આવતીકાલનો વિહાર શી રીતે નિશ્ચિત કર્યો ? આપે આવતીકાલે તો રોકાવું જ પડશે. પ્રવચન આપજો અને પરમ દિ' વિહાર કરજો.”
“બપોરે સાધ્વીજી આવેલા, તે બધા પણ વિનંતિ તો કરી જ ગયા છે.” મેં કહ્યું. અને અમે ત્યાં રોકાઈ ગયા.
મહા સુદ-૧નો દિવસ ! જોગાનુજોગ એ જ દિવસે ઉપાશ્રયમાં તદ્દન નવી ભવ્ય પાટનું ઉદ્દઘાટન હતું. એના થોડાક જ દિવસ પૂર્વે ઉપાશ્રયનું ઉદ્ઘાટન સાધ્વીજી મ.ની નિશ્રામાં થઈ ગયેલું. સાધ્વીજીએ પાટ માટે કહેલું કે “આનું ઉદ્ઘાટન સાધુ ભ.ના હાથે કરાવજો.”
અમને એ પાટનું ઉદ્ઘાટન કરવાનો લાભ મળી ગયો.
આપને જાણીને આશ્ચર્ય થશે કે જે ભાઈએ અમને રોકેલા, એ ભાઈ છેલ્લા એક મહિનાથી ઘરે સુતા રહેલા. સટ્ટામાં નુકસાન થવાને કારણે અતિ હતાશ થયેલા અને આત્મહત્યાના વિચારોથી ત્રસ્ત હતા... પણ એમનું કહેવું એમ હતું કે આપના મુખ પરની સંયમની પ્રસન્નતા જોઈને તે જ દિવસથી હું ડીપ્રેશનમાંથી બહાર આવી ગયો.”
પ્રવચન બાદ શ્રીસંઘ ઉભો થયો. “આવતી કાલે હજુ એક પ્રવચન કરવું જ પડશે, એ પછી જ તમને જવા દઈશું.”
આશ્ચર્ય એ થયું કે બડનગર બાદ આગળ અમે જે જે ગામમાં પહોંચીએ, તે તે ગામમાં અમે જણાવેલું ન હોવા છતાં પહેલેથી બધાને ખબર પડી જતી હતી.
એક નાના ગામમાં અધ્યક્ષે આવીને મને કહ્યું “અમારે સ્વામિવાત્સલ્ય કરવું છે.”