________________
-~-~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~
મેં રાત્રિભોજનત્યાગની પ્રતિજ્ઞા તો લીધી. પણ તબીબી વ્યવસાય એવો કે ગમે ત્યારે રાત્રે વિઝીટ પર જવું પડે, અને રાત્રે ભૂખ-તરસ જાગે, ૨-૩ વર્ષ તો ગમે તેમ કાઢ્યા, પણ પછી મનોબળ નબળું પડતા હું પૂજ્યશ્રીને અમદાવાદ મળવા ગયો.
“સાહેબ! ખૂબ જ તકલીફ છે. સારા-નરવા પ્રસંગે અને સંજોગોવશાત મહિનામાં પાંચ દિવસ રાત્રિભોજનની છૂટ આપો...” મેં કરગરીને કહ્યું.
મને કહે “હું જૈનાચાર્ય રાત્રિભોજનની છૂટ કેમ આપું? તકલીફ તો કર્માનુસારે આવવાની જ. અરે, સામેથી આહ્વાન કરીને મુશ્કેલીને બોલાવી લેવાની...'
મેં કહ્યું “સાહેબજી! સામાન્ય નહિ, વિશેષ મુશ્કેલીઓ પડે છે.'
તો કહે “કસોટી તો આવે જ, ધર્મ કરે એની કસોટી થાય. આજે ૧૦ વર્ષથી દેવો મારી કસોટી કરે છે. આટલા તપ પછી આ ઉંમરે જો મારી પણ કસોટી થાય, તો ક્યાં તારું તપ અને ક્યાં તારી ઉંમર '
બસ, એ પછી અખંડપણે પ્રતિજ્ઞા પાળી રહ્યો છું. ભૂખ-તરસ ભૂલી ગયો છું. (આપણું આચાર પાલન, આચારચુસ્તતા મધ્યમજીવોને ખૂબ જ આવર્જિત કરે છે...)
સંવિગ્નતાનો પવિત્રપુંજ એટલે વર્તમાનના એક વયોવૃદ્ધ આચાર્ય
વિ.સં.૨૦૬૮-૬૯ના ચોમાસાની આ વાત છે.
૮૪ વર્ષના એ આચાર્ય ભગવંતે અમદાવાદમાં અષાઢ સુદ પાંચમના દિવસથી રોજ એકાસણા શરૂ કર્યા.
અષાઢ સુદ ચોથના દિવસે પોતાના શિષ્યને કહી દીધું. “આવતીકાલે મારા ગુરુદેવની શતાબ્દી નિમિત્તે પંચ દિવસીય મહોત્સવ શરૂ થવાનો છે, એ નિમિત્તે મારે આવતીકાલથી રોજ એકાસણા કરવા છે...”
ગુરુદેવ! આપ આ શું બોલો છો ? આપની ઉંમર કેટલી છે? એનું આપને ભાન છે કે ? તબિયત શી રીતે સચવાશે...' શિષ્ય તો બેબાકળો બની ગયો.
તું ખટપટ નહિ કર. મને સંકેત મળ્યો છે, એટલે એકાસણા કરવાના જ છે. અને સાંભળ, એકાસણ પણ માત્ર બે દ્રવ્યના જ કરવાના છે. દાળ અને રોટલી... તારે કોઈ દલીલ કરવાની નથી. કાલથી ગોચરીમાં ધ્યાન રાખજે...” આચાર્યે સત્તાવાહી સ્વરે આજ્ઞા કરી દીધી.
પેલો શિષ્ય તો બાઘો જ બની ગયો, એનું ચાલે પણ શું ?
લગાતર સવા મહિના સુધી બે જ દ્રવ્યના એકાસણા કર્યા. એ બે દ્રવ્યો પણ પાછા પાકા બાંધેલા! એમાં કોઈપણ જાતનો ફેરફાર નહિ, દાળને બદલે દૂધ કે શાક... નહિ જ. એમ રોટલીને બદલે પણ કશું નહિ.