________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
અમે બધા ત્યારે પૂ. ગુરુદેવશ્રી પાસે જ બેઠેલા, બધી વાત સાંભળેલી. લલિતભાઈએ કહેલું કે “ભીવંડીમાં મુસ્લિમ વસ્તી પુષ્કળ છે. ગેરકાયદેસર ચિક્કાર પશુહત્યા કરવામાં આવે છે. આપણા યુવાનો જાનના જોખમે ટ્રકો પકડે છે, એ પછી એના કેસ ચાલે છે, એ બધા કેસ લડવાનું અને પશુઓને બચાવવાનું કામ મારું! અત્યાર સુધીમાં હજારો પશુઓને બચાવી શક્યો છું. એનો અપાર આનંદ છે...''
“પણ આમાં તમારા માથે મોતનો ભય નહિ ?” પૂ. ગુરુદેવશ્રીએ પુછેલું. “ખરો! મુસ્લિમોએ મને ધમકી આપી જ છે કે તું આ કામમાંથી હટી જા, નહિ તો તને મારી નાંખીશું...
પણ ગુરુદેવ! મે એમને પટાવી દીધા છે કે ‘હું તો વકીલ છું, મારું કામ તો કેસ લડવાનું ! પૈસા કમવા માટે હું કોઈનો પણ કેસ લડું... તમારો પણ લડું...'
એટલે ગુરુદેવ! વાંધો નહિ આવે.”
“છતાં લલિત! તું સાવધ રહેજે. કોઈક બોડીગાર્ડ સાથે રાખ..."
આ બધી વાતો થયેલી...
લલિતભાઈના ગયા બાદ પૂ.ગુરુદેવશ્રીએ ચિંતા પણ વ્યક્ત કરેલી “પશુઓને બચાવવા જતાં આપણે આવા ઉત્તમોત્તમ યુવાનો ન ગુમાવી બેસીએ...”
અને નિયતિ ત્રાટકી.
ભીવંડીથી વિહાર કરીને અમે નાસિક તરફ આગળ વધ્યા, માંડ બે-ચાર દિવસ થયા હશે અને આઘાતજનક સમાચાર મળ્યા.
“ભીવંડીમાં બપોરે ૧૧.૩૦ વાગે ત્રણ રસ્તા પર સ્કુટર પર રહેલા લલિતભાઈને ગોળીઓ મારીને જાહેરમાં જ ખતમ કરવામાં આવ્યા...”
૧૧ વર્ષ પહેલાની એ આખી ઘટના મારા માનસપટ પર તસ્વીર ઉઠી, હું ધ્રુજી ઉઠ્યો. એ વખતે તો હું નાનો હતો, સ્વાધ્યાયમાં જ લીન હતો, એટલે આ બધા પ્રસંગો ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું ન હતું. પણ આજે ૧૧ વર્ષ બાદ એ પ્રસંગે મારા અંતરાત્માને હચમચાવી દીધો.
અનાયાસે જ મારી નજ૨ સ્વર્ગસ્થ લલિતભાઈના શ્રાવિકા ઉપર પડી. મને કરુણા જાગી ગઈ.” આમના ઉપર શી વીતી હશે ?”
“તમારું નામ ?” મેં પેલા ભાઈને પૃચ્છા કરી.
“સંજય!”
આગળ શું બોલવું ? એ મને ખબર ન પડી. હવે ૧૧ વર્ષ બાદ એમને આશ્વાસન આપવું ? કે પછી...?
“આમની ઉંમર કેટલી ?” મેં સંજયભાઈને જ પ્રશ્ન કર્યો, એમના ભાભીને ઉદ્દેશીને! “૪૨ વર્ષ! કેમ સાહેબજી ?”
“તો લલિતભાઈનું મૃત્યુ થયું, ત્યારે એમની ઉંમર માત્ર ૩૧ વર્ષની જ ને ?”
૧૧૯