________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક અજૈન વૈધનું જૈનાચાર્યના આચારોથી પરિવર્તન (એક વૈદ્યના શબ્દોમાં)
આજથી પંદરેક વર્ષ પહેલાની વાત છે. એ પૂજ્ય આચાર્ય ભ. જુનાગઢથી વિહાર કરીને ધોરાજી આવતા હતા, અને સાંજે પાંચ વાગ્યા પછી સખત તાવ અને ઝાડા લગભગ ૧૫ થી ૨૦ વાર થયા. H.P. માત્ર ૫% થઈ ગયુ. સીવીયર D-હાઈડ્રેશન હતું.
રાત્રે નવ વાગે ધોરાજીના સંઘપ્રમુખ બચુભાઈ દવાવાળા અને મારા ધર્મપ્રેમી મિત્ર નરેશ માંડલીયાએ મને સમાચાર આપ્યા ‘તાત્કાલિક વૈદ્યની તમારી જરૂર છે, જલ્દી આવો.'
=
હું ગયો અને જોયું તો પરિસ્થિતિ એકદમ કથળેલી હતી. ‘તાત્કાલિક બાટલા ચડાવવા પડશે, ઈંજેકશન લગાવવા પડશે.' મેં કહ્યું. આ વાક્ય સાંભળીને પૂજ્યશ્રી એકદમ ઉભા થઈ ગયા.
મને કહે ‘આ લોકો એમ કહે છે કે તું વૈદ્ય છે.’ તો અમને સાધુઓને આ હિંસક દવાનો ખપ ક્યાંથી હોય ?’
મેં કહ્યું ‘સાહેબ ! આપની બધી વાત સાચી. પણ આગાઢ કારણમાં અને ઈમરજન્સીમાં આ દવા લેવામાં કોઈ દોષ ન લાગે. આમાં બાટલા ચડાવવા પડે, નહિ તો તકલીફ વધી જાય.’
‘હું સવારે હોઉં કે ન હોઉં, તેની ચિંતા તારે કરવાની નથી' તેઓશ્રી બોલ્યા ‘તારી પાસે અણાહારી કડવી કે તૂરી દવાની ફાકી હોય, તો મને આપ, પછી તું છુટ્ટો!'
જીવ કરતા શિવને વહાલો કરનારા, આવું કડક આજ્ઞાપાલન કરનારા મેં પહેલા સાધુ જોયા. મેં એમને કડછાલ ચૂર્ણ આપ્યું. એ કડવું હોય છે, તાવ અને ઝાડા બંને મટાડે.
પાણી વિના જ આ દવા એક ચમચી જેટલી ચૂસી-ચૂસીને લીધી, અને સવારે પગ પર પગ ચડાવીને બેઠા હતા.
મને કહે ‘આ આયુર્વેદમાં તને શ્રદ્ધા નથી, તારાથી વધારે મને શ્રદ્ધા છે. તું જે દવા આપતો હતો, એ હિંસક દવા મેલી વિદ્યાના દેવ જેવી હતી. તાત્કાલિક સારું થાત. પણ મારા અનેક ભવો વધી જાત.’ એ પછી સાતેક દિવસ ત્યાં રોકાયા, ત્યારે ખબર પડી કે તેઓશ્રીને પ્રોસ્ટેજની પણ ખૂબ જ તકલીફ છે. રાત્રે ૮-૧૦ વાર માત્રુ જવું પડે છે, સખત બળતરા થાય, લોહી પણ પડે. તાત્કાલિક કોઈક સર્જન પાસે ઓપરેશન કરાવવાની જરૂર!
મને કહે,
‘તારી પાસે નવ દિવસ છે. આંબિલની ઓળી સુધી અહીં છું. કોઈ દેશી દવા લાગુ પડે, તો કોશિશ કર. મારે પાપ માથે ચડાવવું નથી. ડૉક્ટર અને વૈદ્ય તો ઘણા છે. તારે રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય, તો જ મારી દવા કરજે. નહિ તો કંઈ જરૂર નથી.’
શ્રી શાસનદેવની કૃપાથી મારું રાત્રિભોજન ગયું અને સાહેબજી પુનર્નવાની ફાંકીથી સારા થઈ ગયા.
૮૯