________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
જૈનત્વ: જન્મથી નહિ, પણ કર્મથી છે.
‘મારા ગુરુબહેનની શિષ્યાનું સ્વાસ્થ્ય બરાબર નથી. ગુરુબહેનનો પત્ર આવ્યો છે, વિનંતિ કરી છે કે ‘કોઈક વૈયાવચ્ચીને મોકલી શકો, તો આભાર...'મારી ફરજ છે અને મારી અંતરની ઈચ્છા છે કે એમની સેવા કરવા માટે તમારામાંથી કોઈક જાય...
બોલો, કોની ભાવના છે...' વિશાળ શિષ્યાવૃંદના ગુરુણીએ બધાને ભેગા કરીને પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી.
બીજા સાધ્વીજીઓ જવાબ આપે-ન આપે, એ પહેલા તો માત્ર દોઢ જ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજીએ તરત ઉત્સાહભેર જવાબ વાળી દીધો ‘ગુરુજી! આ લાભ મને આપો. અને, ગુરુજી! માત્ર આ એક ચોમાસા માટે જ નહિ, જ્યાં સુધી આપની ઈચ્છા હશે, ત્યાં સુધી હું સેવા કરીશ. ભલે ગમે એટલા વર્ષ થાય...'
વધુ અગત્યની વાત તો એ હતી કે ‘એ સાધ્વીજી જન્મે અજૈન હતા, સાધ્વીઓનો પરિચય પામીને દીક્ષિત થયેલા હતા...'
આજે એ વાતને સાડાત્રણ વર્ષ થઈ ગયા છે. અવિરત પણે માસીગુરુણીના શિષ્યાની સેવા કરી રહ્યા છે.
એ ગ્લાન સાધ્વીજીને એકવાર સ્વાસ્થ્ય વધુ બગડવાથી દિવસમાં ચાર-પાંચ વાર વડીનીતિ જવું પડ્યું. એમને આ વૈયાવચ્ચી સાધ્વીની ખૂબ ચિંતા ! ‘આટલી બધી વાર એમણે પરઠવવા જવું પડે, એ મને ન શોભે...’
ગ્લાને કહી દીધું ‘હું વાડામાં જઈ આવીશ, તમારે આટલી બધી વાર પરઠવવા નહિ જવું. તમે થાકી જાઓ...’
આટલું સાંભળતા તો વૈયાવચ્ચી એ નાના સાધ્વીજીની આંખમાં પાણી આવી ગયા “સાહેબજી! આવો તો આપ વિચાર પણ નહિ કરતા. જ્યાં સુધી મારી શક્તિ છે, ત્યાં સુધી આપે આ વિરાધના કરવી જ શા માટે પડે ? આજે આપને બદલે મારે ૪-૫વાર સ્થંડિલ જવું પડે, તો હું જાઉં કે નહિ પરઠવવા ? તો એટલી જ ભક્તિ મારે આપની કરવાની છે...” અને પૂરા ઉલ્લાસ સાથે પોતાનું વૈયાવચ્ચકાર્ય આ જૈનેતરકુલમાં જન્મ પામીને જૈનસાધ્વીજી બનાવેલા આ સાધ્વીજી કરી રહ્યા છે.
૮૭