________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓमूर्तो धर्मः सदाचारः
“મ.સા.! મત્થએણ વંદામિ! હું આપની શું સેવા કરી શકું ? આપને જે કંઈ ખપ હોય, એનો મને લાભ આપો...'
ખેરાળુ ઉત્તરગુજરાતના વિહારના એક રસ્તા પર ઝાડની નીચે કામળીથી આખું શરીર ઢાંકીને બેઠેલા જૈન સાધુઓને એક ભાઈએ વિનંતી કરી.
એક આચાર્ય ભ. શિષ્ય પરિવાર સાથે સવારે વિહાર કરીને ખેરાળુ તરફ જઈ રહ્યા હતા, પણ શિયાળાના કારણે અચાનક ધુમ્મસ ફાટી નીકળ્યું. શાસ્ત્રજ્ઞાતા અને આચાર પાલક આચાર્ય ભ. શિષ્યોની સાથે રસ્તાની એક બાજુ, અંદરની તરફ કામળી ઓઢીને બેસી ગયા. ભયંકર ઠંડીમાં જેમ આખુ શરીર ઢાંકી દઈએ. એમ એ વખતે અકાયના જીવોની રક્ષા માટે બધું જ ઢાંકીને બેસી ગયા. પગનો અંગૂઠો પણ બહાર નહિ.
એ વખતે ખેરાળુ ગામના વતની ડૉ.ભરતભાઈ જૈન કોઈક કામ માટે ત્યાંથી સ્કુટર ઉપર પસાર થતા હતા... એમણે સાધુઓને જોયા. ડૉક્ટર જૈન ખરા, પણ સાધુજીવનના સૂક્ષ્મ આચારોની એમને વિશેષ કંઈ સમજણ નહિ. એ એમ સમજ્યા કે “આ સાધુઓએ વહેલી સવારે વિહાર કર્યો હશે, પણ પછી ઠંડી અસહ્ય બની જતાં ચાલી નહિ શક્તા હોય, એટલે આ રીતે એક બાજુ કામળી ઓઢીને બેસી ગયા હશે...''
એટલે એમને વિચાર આવ્યો કે “એમને ચા-પાણીનું શું ? જૈન તરીકે મારી ફરજ છે, કે એમને સહાય કરું...'
એટલે સ્કુટર એક બાજુ પાર્ક કરી નજીક આવી ઉપ૨ મુજબ પ્રશ્ન કર્યો. આચાર્ય ભ. એ જવાબ આપવા માટે ના-છુટકે મોઢા પરથી કામળી દૂર કરી...
“તમે કોણ ?”
“ડૉક્ટર છું, જૈન છું, ખેરાળુમાં જ રહું છું... આપને ઠંડીમાં હેરાન થતા જોઈ...”
“ના ભાઈ ના ! અમે ઠંડીના કારણે નહિ, પણ ધુમ્મસના કારણે કામળી ઓઢીને બેઠા છીએ. અને અમે બધા એકાસણાવાળા છીએ, એટલે નવકારશીની કોઈ ચિંતા નથી. તમે અમારી ચિંતા ન કરો, અમે ખેરાળુ આવીએ, ત્યારે જો અમને મળવા આવશો, તો બધું વ્યવસ્થિત સમજાવીશ.” કહીને આચાર્ય ભ. એ પાછી કામળી ઓઢી લીધી.
ડૉક્ટરને આશ્ચર્ય થયું, બહુમાન થયું, જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ધુમ્મસમાં આવી રીતે બેસવાનું કારણ જાણવાની ભાવના ઉત્પન્ન થઈ.
આચાર્ય ભ. ખેરાળુ પહોંચ્યા, ત્યારે ડૉક્ટર મળવા આવ્યા. જૈનધર્મના સંસ્કારને કારણે વંદન કરતા આવડતા હતા, વંદન કરીને બેઠા... વાતચીત ચાલુ થઈ.
આચાર્ય ભ. એ ધુમ્મસનો પદાર્થ વિસ્તારથી સમજાવ્યો, પાણીના જીવોની સુરક્ષા માટે પ્રભુએ બતાવેલી જ્યણા દર્શાવી.
૧૧૧