________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
અત્યંત પ્રસન્નતા સાથેના એ શબ્દો સાંભળીને વિદ્યાગુરુ અને સૌ કોઈ રાજી થયા.
લગભગ ૪૫ દિવસ સુધી શાક વિના (છુંદો-મુરબ્બો-ગુલકંદ... કશું જ નહિ...) એમણે પસાર કર્યા. અંતે અદાલજ ગામમાં પહેલા જ ઘરે એ શાક મળી જતા એમનો અભિગ્રહ પૂરો થયો. ત્યારે સૌ મુનિઓએ એક સાથે ભેગા મળીને એ શાકથી જ એમને પારણું કરાવ્યું. જાણે કે કોઈને સોમી ઓળીનું પારણું ન કરાવતા હોય... એવો હર્ષોલ્લાસ છવાઈ ગયો.
(ઉંઝામાં જ વિદ્યાગુરુએ ‘દૂધીનું શાક’ ભૂલથી વ્યાખ્યાનમાં જાહેર કરી દીધું, એટલે પછી એ દિવસથી શાક બદલ્યું, અને ‘કેળાનું શાક' ધાર્યું. અદાલજમાં એ શાકથી પારણું થયું.
૨૨ વર્ષની યુવાન ઉંમરે તો જલસા કરવાનું મન થાય, સાધુપણામાં ય આવા બધા ત્યાગ કરવાનું કદાચ ઓછું ગમે. પણ જિનશાસન એવી ખાણ છે કે કોઈપણ કાળમાં આ ખાણમાં રત્નો પેદા થયા જ કરે છે, ખાણ કદી ખાલી થતી નથી.
નીકળેલા રત્નો વિદાય લેશે, પણ એ બધાની જન્મદાત્રી જિનશાસનમાતા તો નવા નવા રત્નોની ભેટ ધરતી જ રહેશે.)
શાસ્ત્રો વાંચો નહિ, પચાવો
‘શિયાળામાં વધારે ઠંડી પડે, તો સાધુ બધા કપડા કાઢી ખુલ્લામાં ઉભો રહે. ઠંડી સહન કરે, એ પછી બંધ જગ્યામાં આવે, તો આપોઆપ ઠંડી ઓછી જ લાગે...' પાટણમાં ઓધનિયુક્તિનો પાઠ આપતી વખતે વિદ્યાગુરુએ ત્રણ નૂતન મુનિઓને આ પદાર્થ પંક્તિ પ્રમાણે સમજાવ્યા.
એ જ રાત્રે ૧૦-૩૦ વાગે ૨૪ વર્ષના એક મુનિવર ખુલ્લી જગ્યામાં ખુલ્લા શરીરે કાઉસ્સગ્ગ કરવા ઉભા રહી ગયા.
સંથારો + ધાબડો પાથરીએ અને એક કામળી + બે ધાબડા ઓઢીએ, તો જ ઠંડી ન લાગે... એટલી ભયંકર ઠંડીમાં, બપોરે બાર વાગે ગોચરી જતી વખતે પણ કામળી ઓઢવી પડે એવી ઠંડીમાં, ગોચરી માંડલીમાં પણ કામળી ઓઢ્યા વિના ન ચાલે એવી ઠંડીમાં આ મુનિરાજે તો જબરદસ્ત સત્ત્વ ફોરવ્યું. ઉપર છત, બાકી બધી દિશા ખુલ્લી... એ રીતે અને રાત્રે ૧૨/૨૪ વાગે... ગમે ત્યારે અડધો પોણો કલાક સુધી ઉભા ઉભા કાઉસ્સગ્ગ કરીને એમણે સૌ મુનિઓને એક આદર્શ પૂરો પાડ્યો.
(તમે એવું માનતા જ નહિ કે “હવે જમાનો બદલાયો છે. નવું જનરેશન વૈરાગ્ય વિનાનું, નબળું જ આવે છે.” મુંબઈના રહેવાસી આ બધા યુવાનો પ્રભુવીરના માર્ગને આજે પણ કેટલી બધી સરસ રીતે આરાધી રહ્યા છે, એનું પ્રત્યક્ષ દર્શન કરવા મળે છે. શા માટે Negative વિચારવું ? શા માટે નબળુ`જોવું ? તગડું જોઈને તગડા ન બનીએ ?
06