________________
- ~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~ નાના સાધુના પ્રવચનો ગોઠવવામાં આવ્યા હતા. સાધુ પણ એકંદરે અભ્યાસુ હોવાથી પ્રવચન ઉપરની પકડ સરસ હતી અને માટે પ્રજાને એમાં રસ પણ પડતો.
સવારે ૭-૧૫ થી ૮-૧૫નું નિત્ય પ્રવચન ! પ્રવચન પહેલા અને પ્રવચન પછી બંને વખત વડીલ પાસે આવી, ચરણોમાં મસ્તક નમાવીને આશિષ લેવા એ પ્રવચનકાર સાધુનો નિત્ય ક્રમ હતો.
પણ એક દિવસ ઉતાવળમાં જ તે પાટ પર બેસી ગયા, માંગલિક શરુ કરતી વખતે જ એમને યાદ આવ્યું કે “વડીલના આશિષ લેવાના બાકી છે. હું આજે પ્રમાદના કારણે વિનય ચુક્યો. શું કરું ? માંગલિક અટકાવી પાટ પરથી નીચે ઉતરીને વડીલના આશિષ લઉં ? કે પછી હવે પ્રવચન પૂરું કરી નાખ્યા પછી જ જાઉં ?”
ગડમથલમાં જ માંગલિક તો ચાલુ કર્યું, પણ માંગલિક પૂર્ણ થતા સુધીમાં તો સાધુએ મક્કમ નિર્ણય લઈ લીધો. “એક મિનિટ' એમ કહીને પાટ પરથી ઉભા થઈ નીચે ઉતર્યા. આખી સભા આશ્ચર્ય પામી, પણ એ બધાની પરવા કર્યા વિના મહાત્મા તો વડીલ પાસે પહોંચી ગયા, ચરણોમાં નમીને આશિષ માંગ્યા. “મિચ્છા મિ દુક્કડં ! સાહેબજી ! ભૂલી જ ગયેલો. ઉતાવળમાં સીધો પાટ પર જઈ બેઠો.”
વડીલને ખૂબ આનંદ થયો. મહાત્માનો શક્તિવિકાસ કરતા પણ ગુણવિકાસ વડીલને સ્પર્શી ગયો.
બપોરે પ્રવચનકાર વિદ્વાન સાધુ પાસે બંને વડીલો + અન્ય બે સાધુઓ પાઠ લઈ રહ્યા હતા, ત્યાં સિદ્ધચક્રપૂજનની રક્ષાપોટલીઓ મંત્રિત કરાવવા માટે ભાઈઓ આવી ચડ્યા. પાંચેય મહાત્માઓએ વડીલના સૂચનથી હાથમાં વાસક્ષેપ લઈને મંત્રિત કર્યો, એમાં વિદ્વાન નાના સાધુએ વાસક્ષેપ મંત્રિત કર્યા પછી પણ હાથમાં જ રાખ્યો, બીજા સાધુએ મંત્રિત કરવા ટકોર કરી, ત્યારે આંખથી જ ઈશારો કરી દીધો કે હજી વડીલ મહાત્માએ રક્ષાપોટલી પર વાસક્ષેપ નાંખ્યો નથી, એ મંત્રજપ કરી રહ્યા છે. જ્યાં સુધી એ ન નાંખે, ત્યાં સુધી મારે ન નંખાય...”
વડીલોને પાઠ આપનાર, વિદ્વાન, પ્રવચનકાર એવા પણ એ સાધુનો આવો વિનય જોઈને બધા ખૂબ જ રાજી થયા. | (સાવ નાનકડો આચાર પણ બહુ જ મોટી અસર ઉભી કરી દેતો હોય છે. માટે જ વડીલાદિના વિનયમાં, ઔચિત્યમાં લેશ પણ ખામી ન આવવા દેવી.)