________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક ખાનગીવાત કહું ! ગમે તે કારણસર મને ગુરુજી પ્રત્યે વિશેષ બહુમાન-લાગણી ન હતા. એ મારું જ દુર્ભાગ્ય ! એમની સાથે આત્મીયતા નહિ, એટલે જ એમનાથી હું ગભરાતો. એમની સાથે મન મૂકીને વાત કરવી એ મારા માટે તો એક સ્વપ્ન જ હતું. એટલે જ આ આખો પ્રસંગ જોવા છતાં ય મચ્છરદાનીમાંથી બહાર નીકળીને ગુરુજી પાસે પહોંચીને ‘શું થયું ?’ એ પુછવાની હિંમત ન કરી શક્યો.
બસ, “કોઈનો કાળધર્મ થયો હોવાના સમાચાર આવ્યા હશે ? શું થયું હશે ?” એવા એવા તુક્કા દોડાવતો મચ્છરદાનીમાં જ સંથારામાં જ આડો પડીને કાન ખુલ્લા કરીને સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો.
ગુરુજીની મચ્છરદાની ખાલી હતી અને ગુરુભાઈ પાસે ઉભડગપગે કોઈક બેઠું હતું, એટલે એટલા દશ્ય ઉપરથી એટલો ખ્યાલ તો આવી જ ગયો કે ગુરુજી જ ત્યાં બેઠા છે.
પણ એ રડતા હતા, ગુરુભાઈના પગે પડતા હતા, ગુરુભાઈ એમ કરતા એમને અટકાવતા હતા... આ બધું આડા પડ્યા પડ્યા જોઈને એટલો ખ્યાલ તો આવી જ ગયો કે “આમાં કોઈના કાળધર્મની વાત નથી. નહિ તો ગુરુજી ગુરુભાઈના પગે કેમ પડે છે ?”
અચાનક જ મને Tube-Light થઈ.
આજે બપોરે ગુરુભાઈ મજાક-મસ્તી કરતા હતા, ગુરુજીને એ બધું બિલકુલ નાપસંદ ! એમણે એક-બે વાર અટકાવ્યા, પણ ગુરુભાઈ સ્વભાવને પરાધીન ! અને ગુરુજીને ગુસ્સો આવી ગયેલો. દંડાસન હાથમાં લઈને બે-ચાર ઠોકી દીધી હતી ગુરુભાઈને ! હાથથી પણ બે ધોલ લગાવી દીધા હતા ગુરુભાઈને !
ગુરુભાઈ તરત શાંત થઈને, ગંભીર બનીને પાછા કામે લાગી ગયા હતા. ન રીસ ! ન બળાપો ! આખો દિવસ ગુરુજીની ભક્તિના કાર્યો પણ મન દઈને કર્યા હતા. પણ એ પ્રસંગ બાદ ગુરુજી ઉદાસ બની ગયા હતા. આખો દિવસ કશું બોલ્યા ન હતા.
ત્યારે તો મને એ બધું વિશેષ ધ્યાન પર આવેલું નહિ, પણ હમણા ગુરુજીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને મને બધું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું.
તમે માનશો ? અડધો-પોણો કલાક સુધી ગુરુજી રડતા જ રહ્યા. ગુરુભાઈ પાસે વારંવાર માફી માંગતા જ રહ્યા, અરે ! એના પગમાં પડી પડીને રોયા. પછી તો મને સ્પષ્ટ શબ્દો સંભળાયા. “તું મને માફ કર ! મેં ઘોર અપરાધ કર્યો છે. તને મારવાનો મને શો અધિકાર !” સામે ગુરુભાઈ બોલ્યા “આપને તો સર્વ અધિકાર છે. આપનો શિષ્ય બન્યો, ત્યારથી જ મારું માથું કાપી નાંખવાની પણ સત્તા મેં આપને સોંપી દીધી છે, પછી આ મારી ભૂલ બદલ બે લાફા મારવાનો અધિકાર તો આપનો હોય જ. હવે જુઓ, ગુરુજી ! આપ શાંત થઈ જાઓ. આપને ૯૧મી ઓળી ચાલુ છે, તબિયત સારી નથી, વધારે રડશો, તો ક્યાંક તબિયત પર અસર પડશે. Please ! હવે આપ સંથારી જાઓ.''
४०