________________
-~-~~- ? વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------
પ્રશ્ન : તમારામાં આ ઘરડા મહારાજને ક્રિયામાં બહુવાર લાગે છે, કેમ ?
ઉત્તર : એ ખૂબ આરાધક છે. દરેક સૂત્રો અર્થચિંતન સહિત બોલવામાં એમને ખૂબ આનંદ આવે છે. તમે માનશો? એમને સવારનું પ્રતિક્રમણ કરતા દોઢથી પોણા બે કલાક થાય. સાંજના પ્રતિક્રમણમાં જો સૂત્રો ઝડપથી બોલાય, તો એમને ન ગમે. અમે પણ એમને કહી દીધું છે કે “તમારે આ આરાધના બરાબર કરવી, છેલ્લા વર્ષોમાં કરાયેલી આ આરાધના ખૂબ લાભદાયી બનશે. કશી ઉતાવળ ન કરવી.”
અમારે સાડાપાંચનો વિહાર હોય તો ત્રણ-સાડા ત્રણ વાગે એમને ઉઠાડી દેવા પડે. તો જ એ સમયસર તૈયાર થાય. અમે પણ એમની આરાધનામાં ક્યારેય ઉતાવળ કરાવતા નથી... આખરે આપણે ક્યાં કોઈ ગાડી પકડવાની છે... સંયમ જ પાળવાનું છે ને ?
પ્રશ્નઃ મેં જોયું કે, પેલા લોકો વહોરાવવા માટે આટલી બધી સામગ્રી લાવ્યા હતા, તેમાંથી તમે કશું વહોર્યું, અને પછી પેલા ભાઈ પાસે કાપડનો તાકો મંગાવ્યો. એમ કેમ ? તે જ કાપડ, પેલા લોકો પણ લાવેલા..
ઉત્તર : આપણે ક્રત-અભ્યાહત દોષયુક્ત કાપડ વહોરવું તો પડે જ છે. પણ જે લોકો આટલી બધી સામગ્રી લઈને વહોરાવવા નીકળે છે, તેઓ (૧) કાપડની ખરીદી કરવા પણ Special ગાડી લઈને જતાં આવતાં હોય તે શક્ય છે. (૨) આટલી બધી સામગ્રી ખરીદીને આપણને વહોરાવવા માટે રાખી મૂકે, તે સ્થાપના દોષ (૩) ગાડી લઈને વહોરાવવાના ઉદ્દેશથી જ નીકળે, તે વિરાધના બધી આપણને લાગે, જો આપણે તેમાંથી વહોરીએ તો !
મેં જે ભાઈને કાપડ લાવવાનું કહ્યું, તેની પોતાની ઓફિસ કાપડ બજારમાં જ છે. એટલે આપણા નિમિત્તે ત્યાં લેવા નહીં જાય. વળી તે રોજ અહીં દર્શનાદિ માટે આવે છે, એટલે આપણને વહોરાવવા ખાસ નહીં આવે એટલે વિરાધના ઘણી ઘટી જાય... સ્થાપના પણ ન લાગે. એટલે તેમની પાસે મંગાવ્યું. મેં તો નક્કી જ કર્યું છે કે ગાડી લઈને વહોરાવવા આવનારા પાસેથી કદી કશું ન વહોરવું.
પ્રશ્ન : તમે આ ગોચરીની ઝોળીમાં સાબુ કેમ લાવ્યા ?
ઉત્તરઃ સાબુની ગોટી કે પાવડર આપણે શ્રાવક પાસે મંગાવીએ તો ક્રત-અભ્યાહત દોષો લાગે, તે વાહન (સ્કૂટર વિ.) લઈને લેવા જાય તો ચિક્કાર વિરાધના થાય એટલે જ્યારે સાબુનો ખપ હોય ત્યારે, ગોચરી સમયે ઘરોમાંથી યાચના કરીને લઈ આવીએ છીએ - જે બિલકુલ નિર્દોષ મળે. પાવડરનો ખપ હોય તો નાનકડી ડબ્બી લઈ જઈએ અને ઘરોમાંથી ભરી આવીએ.
ચાતુર્માસ પૂર્વે પણ ૮-૧૦ દિવસ રોજ એ રીતે કરીએ, એટલે ચોમાસા માટેનો સાબુ ભેગો થઈ જાય. બિલકુલ નિર્દોષ !