________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ દિવસો વીતતા ગયા ને પજુસણને એકાદ મહિનાની વાર હશે, ત્યારે સંઘના કેટલાક શ્રાવકોએ મુખ્ય ટ્રસ્ટીને વિનંતિ કરી કે “આપણા સંઘમાં પજુસણની આરાધના બેતિથિપક્ષના સાધુઓ કરાવવાના છે. એ ભલે કરાવે, પણ અમે બધા એકતિથિ પ્રમાણે આરાધના કરનારા છીએ. અમારી સંવત્સરી મંગળવારે આવે છે, તો તમારી સોમવારની આરાધના પતી ગયા બાદ મંગળવારે અમે એકતિથિપક્ષના સાધુઓને બોલાવીને એમની નિશ્રામાં સંવત્સરીની આરાધના કરી શકીએ ખરા ?” | મુખ્ય ટ્રસ્ટીએ સહજભાવે કહ્યું કે “હા ! એમાં મને તો કોઈ જ વાંધો નથી. તમે પણ સંઘના સભ્ય જ છો ને? ખુશીથી થઈ શકે. માત્ર અમે જે સાધુઓને ચાતુર્માસ માટે લાવ્યા છીએ, એમને પૂછી લેવું પડે. એ આપણા મહેમાન છે. એમની રજા વિના કોઈ નિર્ણય ન લેવાય. પણ મને લાગે છે કે એ ના નહિ પાડે. તમે સાથે જ ચાલોને ? આપણે ભેગા મળીને વાત કરીએ.”
આરાધકભાઈઓ સાથે મુખ્ય ટ્રસ્ટી ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પંન્યાસજી પાસે આવ્યા અને કહ્યું કે “આ લોકો સોમવારે આપણી સંવત્સરી પતી ગયા બાદ મંગળવારે એકતિથિવાળા સાધુઓને બોલાવી લાવે, તેમની નિશ્રામાં આરાધના કરે તો વાંધો નથી ને ?”
પંન્યાસજી કહે કે “અમને કોઈ વાંધો નથી, પણ આ વિષયમાં તો અમારા મુખ્ય આચાર્યની જ રજા લેવી પડે ને ? અમે એમની આજ્ઞાથી જ આવ્યા છીએ ને ? તેઓ જેમ કહેશે, તેમ કરશું...”
મુખ્ય ટ્રસ્ટીને આ વાત વ્યાજબી લાગી, નાના સાધુઓ તો મુખ્ય આચાર્યના કહ્યા પ્રમાણે જ કરે એ સ્વાભાવિક છે. એમણે આરાધકોને કહ્યું કે “તમે મારી સાથે ચાલો, આપણે મુખ્ય આચાર્ય ભગવંત પાસે જઈએ. ત્યાં રજુઆત કરીએ.”
પણ ગમે તે કારણોસર આરાધકોએ સાથે આવવાની તૈયારી ન બતાવી. મુખ્ય ટ્રસ્ટી એકલા જ કેટલાક દિવસ બાદ મુખ્ય આચાર્ય પાસે વિનંતિ કરવા ગયા, બધી રજુઆત કરી. એ વખતે બે તિથિપક્ષના મુખ્ય આચાર્ય ભગવંતે જે શબ્દો ઉચ્ચાર્યા, મુખ્ય ટ્રસ્ટીએ કાનોકાન સાંભળ્યા, મુખ્ય ટ્રસ્ટીએ અમને એ શબ્દો કહ્યા તે આ પ્રમાણે –
“જુઓ, એકતિથિપક્ષના આરાધકો મંગળવારે એમની સંવત્સરીના દિવસે એકતિથિ પક્ષના સાધુઓને લાવવા ઈચ્છતા હોય તો ખુશીથી લાવે. મારા સાધુઓ એમાં ક્યાંય આડખીલી ઉભી નહિ કરે.
એટલું જ નહિ. જો કદાચ મંગળવારે એમને એકતિથિપક્ષના સાધુઓ ન જ મળે અને તેઓ ઈચ્છશે તો મારા સાધુઓ એમને મંગળવારે પણ બારસાસૂત્ર સંભળાવશે અને મંગળવારે પણ સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરાવશે. જાઓ, એમને જઈને કહી દો કે જરાય ચિંતા ન કરે...”