________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નામની સ્ત્રી છે. આ ત્રણને જોઈને વામદેવ વિચારે છે કયા પ્રયોજનથી આ મારી પાસે આવ્યા છે ? આ પ્રમાણે વિચારે છે ત્યારે તે ત્રણમાંથી એક પુરુષ જે મૃષાવાદ છે તે વામદેવને ગાઢ આલિંગન કરીને તેઓના પગમાં પડીને=વામદેવના પરિવારના પગમાં પડીને આ પ્રમાણે કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતો મૃષાવાદનો પરિણામ પોતાના પૂર્વભવનો પરિચય કરાવવા અર્થે કઈ રીતે અભિવ્યક્ત થાય છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ મૃષાવાદ સાથે વામદેવનું સંભાષણ અહીં બતાવેલ છે; કેમ કે ચિર પરિચયને કારણે તે મૃષાવાદ પોતાનો પરિચય બતાવીને અન્યોન્ય પોતાના સાગરીતો સાથે કઈ રીતે પરિચય કરાવે છે કે જેથી જીવમાં કુમિત્રનો સંસર્ગ પ્રગટ થાય છે. તે પ્રકારે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કર્યો છે. વામદેવ વડે કહેવાયું. હું જાણતો નથી. તે સાંભળીને મૃષાવાદ શોકવિહ્વળ થાય છે. કેમ મૃષાવાદ શોકવિહ્વળ થાય છે, તેમ વામદેવ પૂછે છે ત્યારે કહે છે લાંબાકાળથી આપણો પરિચય છે છતાં હું વિસ્તૃત કરાયો તેથી મને શોક થાય છે. આ પ્રકારે કહીને મૃષાવાદનો જીવને ક્યારથી પરિચય છે એ બતાવે છે. પૂર્વમાં વામદેવનો જીવ અસંવ્યવહારમાં હતો ત્યાં મારા જેવા ઘણા મિત્રો હતા અર્થાતુ અસંવ્યવહાર રાશિમાં કષાયો-નોકષાયો આદિ ઘણા પરિણામો હતા. કેવલ ત્યાં હું મિત્ર તરીકે અભિવ્યક્ત થયો નહીં. પરંતુ ત્યાંથી નીકળ્યા પછી એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, પંચેન્દ્રિય પશુસંસ્થાનમાં જ્યારે સંસારી જીવ આવ્યો ત્યારે હું તારો મિત્ર થયેલો એ પ્રમાણે મૃષાવાદ કહે છે; કેમ કે તે તે ભવોમાં જીવમાં પોતાનું વાસ્તવિક સ્વરૂપ છુપાવીને પોતાનું અવાસ્તવિક સ્વરૂપ બતાવવાની વૃત્તિઓ થાય છે. વળી, જ્યારે સિદ્ધાર્થ નામના નગરમાં નરવાહનનો પુત્ર રિપુદારણ થયો ત્યારે વ્યક્તરૂપે મૃષાવાદની મિત્રતા થઈ. આ પ્રકારે મૃષાવાદ પોતાનો પરિચય બતાવીને પોતાની સાથે માયા નામની મોટી બહેનને લાવેલ છે. વળી, મૃષાવાદનો નાનો ભાઈ તેય લાવેલ છે તેનો પરિચય કરાવે છે. તેથી પૂર્વભવમાં મૃષાવાદના પરિચયને કારણે વામદેવના ભવમાં કંઈક મૃષાવાદનો પરિણામ હોવા છતાં પ્રધાનરૂપે માયા અને તેય નામના મિત્રોની પ્રાપ્તિ થાય છે. તેથી વામદેવના જીવને તે બંને સાથે પરિચય કરાવીને મૃષાવાદ કઈ રીતે અન્ય અન્ય કષાયો તે તે ભવના નિમિત્તે પ્રાપ્ત કરાવે છે તેનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ અહીં કરેલ છે. વળી મૃષાવાદ કહે છે મારી બહેન માયા અને મારા ભાઈ તેમનો પરિચય કરાવીને હું તિરોધાન થાઉં છું. મારો હમણાં અવસર નથી. તેથી વર્તમાનના ભવમાં મૃષાવાદનાં આપાદક કર્મ વામદેવને પ્રચુર નથી પરંતુ માયા અને તેમનો પરિચય પ્રચુર છે તેથી માયા સાથે ક્યારેક ક્યારેક મૃષાવાદ આવે છે તોપણ પ્રધાનરૂપે વામદેવના ભવમાં માયાના અને ચોરીના જ વિકલ્પો વર્તે છે. તેથી વારંવાર ચોરી કરવાનો અને માયા કરવાનો પરિણામ વામદેવને થાય છે જેના કારણે લોકોમાં તે નિંદાપાત્ર બને છે.
विमलवामदेवयोः सख्यम्
શ્લોક :
इतश्च नृपतेर्भार्या, या सा कमलसुन्दरी । साऽभूत्कनकसुन्दर्याः, सर्वकालं सखी प्रिया ।।६५ ।।