________________
૧૮
શોધ-ખોળની પગદંડી પર
પ્રકરણ” સમગ્ર નહીં તો તેના ચૂંટેલા અંશોને રંગમંચ ઉપર પ્રસ્તુત કરવા માટે જૈન સાંસ્કૃતિક પરંપરાના હિતચિંતકોએ વહેલી તકે આયોજન કરવું ઘટે કે
પ્રબુદ્ધ-રૌહિણેય આંખ ઉઘાડતું ગુજરાતનું સંસ્કૃત રંગ
એક અસાધારણ ઘટના બની ગઈ. છઠ્ઠી નવેમ્બર ૧૯૯૩ના દિવસે અમદાવાદની ગુર્જર સંસ્કૃત રંગમ્ નામની સંસ્થાએ એક સંસ્કૃત નાટક ભજવ્યું, મૂળની સંસ્કૃત ભાષામાં જ અને સંસ્કૃત નાટકની જૂની પરંપરાગત મંચનશૈલી પ્રમાણે જ. નાટકનું નામ “પ્રબુદ્ધ-રૌહિણેય'. એ ઇસવી બારમી શતાબ્દીના અંતભાગમાં, તે સમયના અણહિલ્લપુરપત્તનમાં એટલે કે હાલના પાટણમાં–રામભદ્ર નામના જૈન મુનિએ રચ્યું હતું.
આને એક ઘટના જ નહીં, અસાધારણ ઘટના કહેવી પડે. એટલા માટે કે ગુજરાતમાં ૧૧મી શતાબ્દીથી ૧૮મી શતાબ્દીના સાત સોએક વરસના ગાળામાં ત્રીશબત્રીશ સંસ્કૃત નાટ્યકૃતિઓ રચાઈ હતી. આ માત્ર સંખ્યા જ એવડી છે કે આપણે ભારતના અન્ય પ્રદેશો સાથે આ બાબતમાં તો ઉન્નત મસ્તકે ઊભા રહી શકીએ. અને એ નાટકોમાંનાં ઘણા તે તે સમયે ભજવાયાં હોવાનાં પણ ચોક્કસ નિર્દેશો મળે છે. અરે, ચૌલુક્યયુગમાં તો નટમંડળીઓ વચ્ચે ભજવવાની બાબતમાં સ્પર્ધા થતી હોવાનું પણ નોંધાયું છે. પરંતુ એ પછી આજ સુધીનો બસો વરસનો અંદકારયુગ. પાશ્ચાત્ય સંસ્કૃતિના અને શિક્ષણના પ્રભાવે સાહિત્યનો અને તે સાથે નાટકનો આપણો ખ્યાલ મૂળમાંથી જ બદલાયો. બીજું કાંઈ નહીં તો આપણી એ ગૌરવવંતી પરંપરાનો સ્વાદ લેવા નિમિત્તે પણ ઉપર્યુક્ત અઢી ડઝનમાંથી એક નાટકને પણ અત્યારસુધી કોઈએ ભજવવાનો ચાળો નહોતો કર્યો. હા, ઉચ્ચ શિક્ષણના પાઠ્યક્રમમાં સંસ્કૃત નાટક (તથા. જૂનાં ગુજરાતી આખ્યાન વગેરે પ્રયોજ્ય કલાકૃતિઓ) હોય છે ખરાં, પણ એ તો માત્ર મુદ્રિત રૂપમાં જ વંચાય-શીખવાય છે. વળી તે પણ મનમાની કરીને. સંસ્કૃત નાટકોમાં મૂળ લેખકના જ રચેલા જે પ્રાકૃત ભાષાના અંશો છે તે મૂળ રૂપમાં નહીં, પણ તેના ઉપરથી બનાવેલી સંસ્કૃત છાયા રૂપે શીખવાય છે. એમાં સર્જકનો ઉઘાડે છોગે દ્રોહ થાય છે એવી સંવેદનશીલતા ક્યારની લુપ્ત થઈ ગઈ છે. તો આવી શોચનીય દશામાં પહેલી જ વાર ગુજરાતનું એક નાટક સંસ્કૃતમાં ભજવવાનું પરાક્રમ કે દુ:સાહસ કોઈ કરે એ અસાધારણ ઘટના ખરી કે નહીં? * મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી સંપાદિત “ચંદ્રલેખાવિજયપ્રકરણ'નું પ્રાક્કથન.