________________
શોધ-ખોળની પગદંડી પર
૪૩ દોહાકોશ'ની મૂળ ભાષાના સ્વરૂપની સમસ્યા
આઠમી શતાબ્દીના વિનીતદેવે નોંધ્યું છે કે સમિતીય શાખાના બૌદ્ધ તેમની સાહિત્યરચના માટે અપભ્રંશ ભાષાનો ઉપયોગ કરતા. સમિતીય નિકાયનો વિશેષ પ્રચાર માલવ, વલભી અને આનંદપુરમાં હોવાનું યુએન સાંગે કહ્યું છે. બીજી બાજુ, ઉક્ત પ્રદેશોનો એ સમયે અપભ્રંશ ભાષા અને સાહિત્ય સાથે ગાઢ સંબંધ હોવાનું આપણે જાણીએ છીએ. વલભીનો એક રાજવી સંસ્કૃત, પ્રાકૃત, અને અપભ્રંશ ભાષામાં સાહિત્યરચના કરતો હતો એવો ઉલ્લેખ આશરે સાતમી શતાબ્દીનો છે. આ ઉપરથી બૌદ્ધ પરંપરામાં પણ અપભ્રંશ સાહિત્યના આરંભકાળથી જ એ ભાષામાં ધાર્મિક સાહિત્ય રચાતું હોવાનું માની શકાય. દિગંબર જૈન પરંપરામાં યોગીંદુદેવનું “પરમપ્પ-પયાસુ” એટલે કે “પરમાત્મપ્રકાશ” અને “યોગસાર', જે આશરે દસમી શતાબ્દીની રચના છે, તે દોહાબદ્ધ છે અને વિષય, ભાવ, ભાવના અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સિદ્ધોના દોહાકોશોની ઘણી નિકટ છે. બારમી શતાબ્દીનું રામસિંહકૃત “દોહાપાહુડ' પણ એ જ પરંપરાનું છે, અને તેમાં સરહના “દોહાકોશમાંથી કેટલાંક ઉદાહરણો પણ (વિશુદ્ધ સ્વરૂપમાં) મળે છે. એ બંનેની ભાષા પણ માન્ય અપભ્રંશ છે.
અગિયાર શતાબ્દીમાં કાશ્મીરમાં થયેલાં મહાન શૈવાચાર્ય અને સાહિત્યાચાર્ય અભિનવગુપ્તના “તંત્રસાર” અને “પરાત્રીશીકાવૃત્તિમાં જે અપભ્રંશ પદ્યો મળે છે તેની ભાષામાં પણ કશો કાશ્મીરની બોલીનો સ્પર્શ નથી. તેની ભાષા પણ હેમચંદ્રનિરૂપિત માન્ય અપભ્રંશ હોવાનું જોઈ શકાય છે. એટલે સહજયાની સિદ્ધોની અપભ્રંશ રચનાઓની ભાષા માન્ય અપભ્રંશથી જુદી હોવાનો ઘણો ઓછો સંભવ છે.
- જો પોતાની રચનાઓ માત્ર પોતાના પ્રદેશના લોકો કે અનુયાયીઓ માટે નહીં પણ ભારતભરના લોકો ને શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે હોય (અને બૌદ્ધ ધર્મ તે વેળા ભારતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણ એમ સર્વ પ્રદેશોમાં પ્રચલિત હતો) તો એ કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતની જેમ અખિલ ભારતીય સાહિત્યભાષામાં જ રચાઈ હોય, કોઈ પ્રાદેશિક બોલીમાં નહીં. એટલે દોહકોશમાં મળતી ગાથાઓની ભાષા પણ સર્વમાન્ય અપભ્રંશ ભાષા જ છે.
જો વસ્તુસ્તિથિ આ પ્રમાણે જ હોય, સરહ, કાન્હ વગેરે સિદ્ધોનાં ચર્યાપદોની ભાષા સર્વસાધારણ, માન્ય અપભ્રંશ જ હોય તો પ્રશ્ન એ છે કે એ રચનાઓ અત્યારે આપણને જે સ્વરૂપે મળે છે. તેમાં જે ઘણું મિશ્ર ભાષાસ્વરૂપ જોવા મળે છે, તેમાં જે બંગાળી, ઉડિયા, અસમિયા, મૈથિલી, મગહી જેવી પ્રાદેશિક ભાષાઓનાં તત્ત્વો વસ્તુતઃ મળે છે તેનો ખુલાસો કેમ કરવો ? આ બાબતનો પ્રતીતિકર ખુલાસો સહેજે આપી