________________
શોધ-ખોળની પગદંડી પર
૯૫ ધાર્મિક પ્રવાહોની જાણકારી વધારવા માટેના મૂળસ્રોત તરીકે ઘણાં મૂલ્યવાન છે.
અમદાવાદના લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના હસ્તપ્રતસંગ્રહમાંના ક્રમાંક ખૂ. ૪૩૯૯ ધરાવતા ગુટકામાં અનેક નામી-અનામી કવિઓની નાની-મોટી કૃતિઓ આપેલી છે. પત્ર ૨૫૮ થી ૨૬૧ ઉપર પાર્વતી, હિંગળાજ, ચામુંડા, ક્ષેત્રપાલ વગેરે દેવોની સ્તુતિઓ છે, જેમને “છંદ' એવું નામ આપેલું છે. છંદનામક વિવિધ પ્રકારની રચનાઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જાણીતી છે. આ ઉપરાંત એ ગુટકામાં ગોરખનાથ, ચર્પટનાથ જેવા નાથયોગીઓનાં પદ્યો પણ (શંકરાચાર્યને નામે મળતા અને પગ વિમ્ ટેકવાળા “ચર્પટપંજરિકા' સ્તોત્રના જેવા જ ભાવ અને પદાવલી ધરાવતાં) આપેલાં છે. ગુટકાનો લેખનસંવત વિ.સં. ૧૫૯૦ ( ઈ.સ. ૧૫૩૪) છે. એક સ્થળે હસ્તપ્રત લેખકનું નામ વાચક મહિમરાજ આપેલું છે. આમ આ રચનાને સોળમી શતાબ્દીના આરંભ પૂર્વે મૂકી શકાય તેમ છે. પહેલી કૃતિનો કર્તા રુદ્રપાલ જણાય છે અને બીજીનો કવિ રાયચંદ. આ હસ્તપ્રત તરફ મારું ધ્યાન ખેંચવા માટે હું ડૉ. કનુભાઈ શેઠનો તથા હસ્તપ્રતનો ઉપયોગ કરવા દેવા માટે લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો આભારી છું.
છંદોવિધાન : “ખેત્રપાલ-છંદ'. પહેલા પદ્યનો છંદ ચોપાઈ, ચરણાકુલ કે વદનક છે (અંતે બે લઘુવાળા ૧૬ માત્રામાં ચાર ચરણ). બીજાથી પાંચમા પદ્યનો છંદ ડોમિલા છે, જેના પ્રત્યેક ચરણમાં ૧૦ + ૮ + ૧૪ માત્રા હોય છે. કોઈ કોઈ ચરણમાં છંદની દૃષ્ટિએ પાઠ અશુદ્ધ છે. નજીવી અશુદ્ધિ સુધારી લીધી છે, પણ તે સિવાય મૂળ પ્રમાણે પાઠ રાખ્યો છે. અંતિમ પદ્યનો છંદ ષપદ કે છપ્પય કે રોળા છે : પહેલાં ચાર ચરણમાં ચોવીશ ચોવીશ માત્રાનો કાવ્ય છંદ અને અંતિમ બે પ્રત્યેક ચરણમાં ૧૫ +૧૩ માત્રાનો કપૂર કે ઉલ્લાલ છંદ–એમ બે છંદોના મિશ્રણનો બનેલો એટલે કે દ્વિભંગી પ્રકારનો એ છંદ છે. બીજી રચનામાં પણ છંદોવિધાન આ જ પ્રકારનું છે. પાઠની અશુદ્ધિને કારણે કેટલીક પંક્તિઓ છંદની દૃષ્ટિએ ગરબડ વાળી છે.
પદાવલિઃ મુસ્લિમ સંપર્ક અને શાસનને પ્રભાવે કેટલીક પ્રાચીન ગુજરાતી કૃતિઓમાં ફારસી-અરબી મૂળના શબ્દોને તેરમી શતાબ્દીથી (કૃતિના વિશિષ્ટ વિષયવસ્તુ અનુસાર) પ્રવેશ મળવા લાગ્યો હતો. ઈસ્લામની અગમવાદી-પ્રત્યક્ષાનુભૂતિવાદી (સૂફી?) ધારાને પ્રભાવે પહેલી રચનામાં “મસીત', કાદી', “મુલ્લાં', “નિમાજ, ગુદારજ', “બાંગ', “ખીસાં', તો બીજી રચનામાં પેગંબર', ખુદાઈ”, “રહમતિ', કુરાણ', “મસીતિ', ભિસ્ત', “દોજગ' શબ્દોનો કવિઓએ પ્રયોગ કર્યો છે. ઇશ્વરીય તત્ત્વની, પરમ તત્ત્વની વ્યાપકતા, વિભુતા, અનંતતા, સગુણ-નિર્ગુણ એવી સ્વરૂપની વિવિધતા વગેરેને બીજી રચના વ્યકત કરે છે, જ્યારે પહેલી રચના નાથ-સિદ્ધ કે તાંત્રિક-સહજયાની પરંપરાની ભાષામાં વાત કરે છે.