________________
શોધ-ખોળની પગદંડી પર
૧૦૭
ઉઠાંતરી, અપહરણ કે ચૌર્ય ગણી છે. બીજા પ્રકારની પ્રવૃત્તિને નિંઘ કે અનુચિત નહિ, પણ સહજસ્વાભાવિક ગણીને ભારતીય પરંપરામાં પણ તેનો વિવિધ રીતે સ્વરૂપવિચાર થયો છે (આનંદવર્ધન, રાજશેખર વગેરે). કોઈ જૂની કૃતિના પાઠનાં કેટલાંક તત્ત્વો— અંશો સુધારીવધારીને કરાતી નવી રચનામાં (કે નવી કૃતિમાં જૂની કૃતિમાંથી થોડુંક અપનાવીને કરાતી રચનામાં) કશીક નવી રમણીયતા નીપજતી હોવાનું વિવેચકોએ નોંધ્યું છે. આ તૈયાર ભાગોને જોડીને, તેમાંથી થોડાક બદલીને કે નવા ઉમેરીને બાંધેલી ઈમારતને મળતી વાત છે.
પરંતુ અહીં જે મારું પ્રયોજન છે, તે જોતાં, આ ભારેખમ ‘દીબાચો' કાંઈક અસ્થાને(સાદીસીધી વાતને અઘરી કરીને મૂકવાના પંડિતશાઈ વલણની કૃપા) લાગશે. માટે તો અહીં એવા થોડાક શબ્દગુચ્છો, રૂઢ પ્રયોગો, અલંકારો, પઘચરણો, કહેવતો સુભાષિતો વગેરે તરફ આંગળી ચીંધવી છે. જે આપણને સુપરિચિત હોય, ગુજરાતી પરંપરાગત સાહિત્યમાંથી કે લૌકિક પ્રયોગોમાંથી જેનાં ઉદાહરણ મળતાં હોય, પણ તેમનાં મૂળ પ્રાચીન સાહિત્યમાં ઊંડે સુધી જતાં હોય. કોઈક પુરોગામી કૃતિ વાંચતાં તેમાં આપણી ઓળખીતી ચીજનો અચાનક ભેટો થયાનો સુખદ અનુભવ કેટલાક વાચકોને હશે જ. પાછળનાએ આગળનાનો સીધો લાભ લીધો હોય. આમાં ‘અપહરણ' જેવા આરોપને માટે ક્વિંચત જ અવકાશ હોય છે. વધુ તો પરંપરાનો આદર અને તે સામગ્રીને પોતાના સમકાલીનોને પહોંચાડવાની ભાવના કામ કરતી હોય છે. દીર્ઘ પરંપરા ધરાવતી સંસ્કૃતિઓની આ એક લાક્ષણિકતા છે. હજારો જાણીતાં-ઓછાં જાણીતાં ઉદાહરણોમાંથી અત્યારે તરત મનમાં જે થોડાંક ઊગ્યાં તેની અને મુખ્યત્વે તો વિદગ્ધ નહીં પણ લૌકિક પરંપરાને ધ્યાનમાં રાખીને હું થોડીક વાત કરીશ.
૨
થોડીક કહેવતોથી, સુભાષિતોથી શરૂઆત કરું. (૧) નીચેનું સંસ્કૃત સુભાષિત જુઓ : પુસ્તકેષુ ચ યા વિદ્યા, પરહસ્તગતં ધનમ્ । સમયે તુ પરિપ્રાપ્તે, ન સા વિદ્યા ન તદ્ ધનમ્ II
ભાવાર્થ એવો છે કે જે જ્ઞાન માત્ર પુસ્તકમાં હોય પણ કંઠસ્થ ન હોય અને જે ધન બીજાને ત્યાં થાપણ તરીકે હોય પણ તરત હાથવગું ન હોય તે બંને, જ્યારે એકાએક જરૂર પડે ત્યારે સુલભ થતાં નથી, એટલે તે હોવા-ન હોવાં જ જાણવાં. આ વાંચતાં જ, સાંઠ-પાંસઠ વરસ પહેલાં દાદીમા અવારનવાર જે કહેતાં તે કહેવત યાદ આવી : ‘ભાઈ, ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે’. આમાં ‘વિદ્યા’ એવું શુદ્ધ રૂપ તો મેં મૂક્યું છે. તેઓ તો બોલતા ‘વઘા’. ગાંઠે એટલે કમરે બાંધેલી વાંસળીમાં.