________________
શોધ-ખોળની પગદંડી પર
૧૦૫
ખોટા આળ કે આરોપને ટાળવા માટે સતના પારખાં કરવા અગ્નિદિવ્ય, કોશપાનદિવ્ય, જળદિવ્ય, સર્પદિવ્ય જેવી કસોટીઓ ધર્મશાસ્ત્ર આપી છે, અને સાહિત્યમાંથી તેનાં ઘણાં દષ્ટાંતો ટાંકી શકાય છે. એકાદશીના વ્રત સાથે સંકળાયેલા, કૃષ્ણ હરી લીધેલા રાધાના હારને લગતા ધોળમાં સપૈદિવ્ય વડે પોતાની નિર્દોષતા પુરવાર કરવા કૃષ્ણ તૈયાર થાય છે. (જુઓ “લોકસાહિત્ય : સંપાદન અને સંશોધન', પૃ.૧૫-૧૬, ૨૦). સાચની કસોટીનો યુક્તિપૂર્વક છળકપટથી ઉપયોગ કરવાના પણ અનેક દાખલા સાહિત્યમાં મળે છે, જેમ કે ૬૩મા જાતકમાં અથવા તો જૈન પરંપરાની નૂપુરપંડિતાની વાર્તામાં (જુઓ, “ઓશન ઑવ સ્ટોરી' ગ્રંથ-૩, પૃ.૧૮૦).
| શુભશીલે આપેલા કથાપ્રસંગ અને લોકપ્રચલિત ધોળનો વિષય એક જ છે એ હકીકતનું એક ફલિત એ છે કે લોકકથાના અધ્યયનમાં પૌરાણિક કથાપ્રસંગને લગતાં લોકગીતોની સામગ્રી પણ ગણતરીમાં લેવી આવશ્યક છે. દીર્ઘ કથાકાવ્યો જ નહીં, પદ, ધોળ, ગીત વગેરે પણ આ માટે ઉપયોગી નીવડી શકે.