________________
આપણો સમાન મધ્યકાલીન સાહિત્યવારસો
પરંપરાગત સાહિત્યમાં સહિયારાપણું
અઢારમી શતાબ્દીથી આપણા ઉપર હાવી બનવા માંડેલા પાશ્ચાત્ય પ્રભાવે જેમ આપણને ઘણાં બંધનોમાંથી મુક્ત કરવા માંડ્યા, તેમ તેણે કેટલાંક નવાં બંધનોમાં પણ આપણને જકડી લીધા. પરંપરાગત સંસ્કૃતિઓનું જેટલું જૂનું તેટલું બધું જ કાળગ્રસ્ત, ખોટું, નકામું અને જે પશ્ચિમનું એટલે કે અર્વાચીન તે બધું જ સારું, સાચું, ઉન્નતિકારક એવું મૂલ્ય આપણા સભાન-અભાન ચિત્તમાં દઢમૂળ બનતું ગયું. હકીકતે પ્રાચીનઅર્વાચીન પરંપરાઓને ઊતરતી-ચડિયાતીના રૂપે જોવા કરતાં માત્ર પરસ્પરથી વિભિન્ન તરીકે જોવામાં તથ્ય અને સત્યની વધુ ખેવના હોય છે. સાહિત્યના સંદર્ભે વાત કરીએ તો આપણા (અથવા તો એવા જ અન્ય કોઈ) પરંપરાનિષ્ઠ સાહિત્યને જોવા-મૂલવવાની દૃષ્ટિ અને ધોરણો આપણે નવેસરથી ઘડવાં પડશે, અને આમાં એક પાયાનો ખ્યાલ સતત નજર સામે રાખવાનો રહેશે કે સાહિત્યનો પરંપરાગત વિભાવ અને અર્વાચીન વિભાવ, બંને ઠીક ઠીક જટિલ હોવા સાથે, કેટલીક મહત્ત્વની બાબતમાં પરસ્પરથી વિભિન્ન છે.
સાહિત્યકતિને જેમ સર્જન લેખે, મૌલિક તરીકે, અનન્ય નિર્માણ તરીકે જોવાય છે, તેમ તેને પરંપરામાં પણ જોવાય છે. સાહિત્યના ઇતિહાસમાં યુગવિભાગ, સાહિત્યકારોના જૂથવિભાગ, સાહિત્યસંચલનો, સાહિત્યપ્રકાર, અમુક સર્જકની વિશિષ્ટ રચનારીતિ કે શૈલીમુદ્રા વગેરેનો તથા તુલનાત્મક સાહિત્યનો આધાર કૃતિઓમાં રહેલાં સમાન કે સહિયારાં તત્ત્વો અને અંશો હોય છે. સર્જક અને ભાવક જે પરંપરામાં હોય છે તેનાથી પોતાના ઘડતરકાળ દરમિયાન પ્રભાવિત થતા હોય છે. ભાષાપ્રયોગ, છંદસ્વરૂપ, પદાવલિ, સંવિધાન વગેરેની પ્રણાલિકાઓ પ્રચલિત નિદર્શનોને આધારે તેઓ આત્મસાતુ કરતા હોય છે. સ્થાપિત અને બદલાતા વિચારો, વલણો, મૂલ્યધોરણો, રુચિઓ અને રહેણીકરણીથી તેમની ચેતનાનો ઘાટ બંધાયો હોય છે. આ કારણે પ્રત્યેક કૃતિને વધતેઓછે અંશે પરંપરા અને નવનિર્માણના સંકર કે સંસૃષ્ટિ તરીકે લઈ શકાય છે. બધાં અંગો અને અંશોમાં પરંપરાનો વિચ્છેદ નથી શક્ય હોતો, નથી ગ્રાહ્ય બનતો.
અમુક કૃતિ પર પુરોગામી રચનાઓના સર્વસામાન્ય પ્રભાવને એક અનિવાર્ય હકીક્ત તરીકે સ્વીકાર્યા પછી, અમુક આગલી કૃતિનો તેની અનુગામી કૃતિ પર પડેલો વિશિષ્ટ અને પ્રકટ પ્રભાવ સાહિત્યવિચારમાં ચર્ચાતો રહ્યો છે. પોતાની કૃતિ રચવામાં અન્યની કૃતિનો લાભ ચોરીછૂપીથી, દુરાશયથી લેવાય, અથવા તો પ્રકટપણે (અનુસરણ કરવા કે સ્પર્ધા કરવા, નિપુણતા બતાવવા) લેવાય. આમાંના પહેલા પ્રકરાની પ્રવૃત્તિને