________________
શોધ-ખોળની પગદંડી પર
૧૦૯
છે, અને વર્ણકોની જેમ તેની પરંપરાગત રૂઢિ બનેલી છે. સોળમી શતાબ્દીના કવિ નાકરના ‘આરણ્યક પર્વ'માં (સંપા. કે. કા. શાસ્ત્રી, ૧૯૩૩, કડવું ૧૦૭, કડી ૩૬૪૦, પૃ.૨૭૬-૨૭૭) યક્ષપ્રશ્નના ઉત્તરરૂપે યુધિષ્ઠિરે સાત સુખ અને સાત દુઃખ નીચે પ્રમાણે ગણાવ્યાં છે :
પહિલૂં સુખ જે જાતઇ નર્યા, બીજું સુખ જે ધિરિ દીકરા ત્રીજૂં સુખ જે અન્ન નિવારિ, ચોથું સુખ પતિવ્રતા નારિ પંચમ સુખ જે વસઇ સુઠામિ, છઠ્ઠું સુખ જે ન જૈઇ ગામિ સપ્તમ સુખ સંતોષ જ મંનિ.
પહિલૂં દખ જે આંગણિ ઝાડ, બીજું દ:ખ પડોશિ આડ ત્રીજું દખ જે ઘરમાં કૂંઉ,ચોથું દખ દીકિરુ જુઉ
પંચમ દખ જે ઘિર નહિ અન્ન, છઠ્ઠું દખ જે ચંચલ મન સપ્તમ દખ પરસ્ત્રી શું નેહ.
કુમારપળ દેસાઈની પુરુષસુખોની યાદીને આમાંની સુખની યાદી ઘણી મળતી છે. નાકરનાં સાત સુખ અત્યારે લોકોક્તિમાં પ્રચલિત સાત સુખ સાથે વધુ મળતાં છે. પ્રચલિત યાદીમાં ‘પાંચમું સુખ તે ચડવા ઘોડી, છઠ્ઠું સુખ બળદની જોડી' એ પ્રમાણે મળે છે. એનાં અન્ય પાઠાંતર પણ હશે.
દેસાઈવાળી સાત દુઃખની પહેલી યાદી કેટલેક અંશે નાકરની યાદીને મળતી છે. સુખદુઃખની બંને યાદીમાં નાકરની યાદી વધુ ઔચિત્યવાળી જણાય છે.
જૂના સાહિત્યમાંથી અને પ્રચલિત લોકસાહિત્યમાંથી સુખસપ્તક અને દુઃખસપ્તકની બીજી યાદીઓ પણ એકઠી કરવી જોઈએ.
(૬) ૧. ‘ભીલી ગીત’ની પુરોગામી એક રચના અમે ‘પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય'માં (સંપા. હ. ભાયાણી, અગરચંદ નાહટા, ૧૯૭૫) પ્રકાશિત કરી છે. તે છે ‘દિઘમ-સબરી-ભાસ’ (પૃ. ૮૫-૮૬). તેની હસ્તપ્રત ઈ.સ. ૧૪૩૭ જેટલી જૂની છે. એક જ વિષય, કેટલુંક શાબ્દિક સામ્ય, દિઘમ‘ જેવું વિરલ નામ વગેરે જોતાં જયવંતસૂરિની સામે ઉપર્યુક્ત અનામી પ્રાચીન રચના હોવાનું સ્પષ્ટ છે. સંવાદાત્મક આગલી કૃતિનું જયવંતસૂરિએ રૂપાંતર કર્યું છે.
સિદ્ધરાજ અને જસમા ઓડણની દંતકથા અને ગરબો ધ્યાનમાં લેતાં આ એક કથાઘટક હોવાનું પણ સમજાય છે. રૂપાળી આદિવાસી પરિણીત સ્ત્રીને લલચાવતો રાજા અને સ્ત્રીનું અડગ શીલ એવા ઘટકનાં આ કેટલાંક વિશિષ્ટ રૂપાંતરો છે.
અમદાવાદ, ૧૫-૬-૧૯૮૩