________________
શોધ-ખોળની પગદંડી પર
૧૪૫
આવે છે. આઠમી શતાબ્દીની પ્રાકૃતકથા ‘કુવલયમાલા'માં દોહાનાં ઉદાહરણ મળે છે. આધ્યાત્મિક અને ઔપદેશિક સાહિત્ય તો દોહામાં રચવાની પ્રબળ પરંપરા હતી, એ બૌદ્ધ સહજયાની સરહ અને કર્ણાના દોહાકોશ, જોઇંદુના ‘પરમાત્મપ્રકાશ' અને ‘યોગસાર’ તથા ‘દોહા-પાહુડ’ અને ‘સાવય-ધમ્મ-દોહા' ઉપરથી જોઈ શકાય છે. હેમચંદ્રના અપભ્રંશ ઉદાહરણોમાં દોહાની પ્રધાનતા છે.
પ્રાચીન અપ્રકટ દુહાસાહિત્ય
સદ્ગત મુનિજિનવિજયજીએ વિવિધ હસ્તપ્રતો અને છૂટક પત્રોમાં મળતા સુભાષિતરૂપ દુહાઓ અને ગાથાઓની એ દૃષ્ટિએ નકલ કરાવી રાખેલી કે તેમના પાઠની જાંચ કરી, વર્ગીકરણ કરીને તેમને બેત્રણ સંગ્રહ રૂપે મૂકી દેવાય. પરંતુ એ યોજના આગળ વધી શકી નહીં. મુનિજીની સામગ્રી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને સોંપાઈ છે. તેમાંથી કેટલાક કાગળ તારવીને એ સંસ્થાના શ્રી લક્ષ્મણભાઈ ભોજકે મને શુલભ કરી આપ્યા. તે પરથી અહીં કેટલાક દુહા ક્રમશઃ પ્રસ્તુત કરવાનું વિચાર્યું છે. આમાંના કોઈ કોઈ દુહા પ્રકાશિત કૃતિઓમાં ( કે મુક્તકસંગ્રહોમાં) મળવાનો સંભવ છે. પણ તે ક્વચિત જ જાણમાં આવે તેમ હોઈને આ સામગ્રીને ‘અપ્રકટ’ ગણવામાં વાંધો નથી. સામગ્રીનો ઉપયોગ કરવા દેવા માટે હું લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનો આભારી છું.
અન્યોક્તિઓ
દેખીતાં પશુપંખી કે જડપ્રદાર્થ વગેરેની વાત કરવી, પણ તે દ્વારા ખરેખર તો માનવવ્યવહાર કે સ્વભાવને લગતું કશુંક તાત્પર્ય સૂચિત કરવું. એવી રીતિ અપનાવતાં અસંખ્ય મુક્તકો સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં જાણીતાં છે. અપભ્રંશમાં પણ એ પરંપરા ચાલુ રહી છે. નીચેના દુહા ભ્રમર, વિવિધ વૃક્ષો, હંસ, મેઘ વગેરેને લગતી અન્યોક્તિઓ છે.
ભ્રમર
(૧)
છંડિય કમલિણિ વિમલ-દલ, પરિમલ-બહુલ સુઅંધ; બઈઠઉ તુરું વુણ-ફુલ્લડઇ, મિર મહુઅર જઅંધ.
‘મર રે જન્માન્ય મધુકર ! સ્વચ્છ પાંખડીઓ અને મઘમઘતા પરિમલવાળી કમલિનીને છાંડીને તું વણના ફૂલે જઈ બેઠો !'
રૂપગુણવાળી તરુણીને ત્યજી કોઈ ગમાર પર મોહી પડનાર માટે આ ઉપાલંભ
છે.