________________
૧૪૪
શોધ-ખોળની પગદંડી પર બંધારણથી, નિરૂપ્ય અર્થને કેવો ઘાટ આપે છે, છંદ લેખે એની કેવી સમર્પકતા અને કેટલું સામર્થ્ય છે તે બાબતનો કશો જે ખ્યાલ દુહાના શાસ્ત્રીય સ્વરૂપના વર્ણન પરથી ન આવે. વળી, આ ઉપરાંત એક બીજું પણ તત્ત્વ ધ્યાનમાં લેવાનું છે. દોહાબદ્ધ રચનાની પ્રભાવકતા અને આસ્વાદ્યતાનો પૂરો અને સાચો ક્યાસ બાંધવા માટે દોહાનું પઠન કરવાની, તેને ગાવાની કે લલકારવાની છે તે સમયે જે પરંપરાઓ પ્રચલિત હતી તેમને ગણતરીમાં લેવી તદન અનિવાર્ય છે. માત્રિક છંદો, ગેય છંદો લિખિત રૂપે, ટાઢાબોળ મુદ્રિત સ્વરૂપમાં વાંચવા માટે નથી હોતા. કંઠની હલકે જ એમનું માળખું જીવતુંજાગતું, ચેતનવાળું બને છે.
વિવિધ પ્રયોજનો દુહા છંદ (૧) અપભ્રંશ સાહિત્યમાં (૨) પ્રાચીન ગૌર્જર તથા મધ્યકાલીન ગુજરાતી, રાજસ્થાની, હિંદી, વગેરે સાહિત્યોમાં અને(૩) ડિંગળ, ચારણી સાહિત્યમાં તથા ગુજરાત-રાજસ્થાનના લોકસાહિત્યમાં વ્યાપકપણે પ્રયોજાયો છે અને દુહાનાં સ્વરૂપ તથા દુહાની શક્તિ અને તે દ્વારા સિદ્ધ પ્રયોજનોની બાબતમાં એ જુદી જુદી પરંપરાઓમાં કેટલીક સમાનતાઓ તો કેટલાક મૂળભૂત ભેદ હોવાનું ચિત્ર આપણી પાસે ઉપસ્થિત થાય છે.
મધ્યકાલીન અને અર્વાચીન લૌકિક પરંપરામાં કંઠસ્થ સાહિત્યમાં દુહાનું ગેય સ્વરૂપ મુખ્ય છે. પરંતુ અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં દુહો સંસ્કૃતપ્રાકૃતના અનેક છંદોની જેમ શિષ્ટ રચનાઓમાં વપરાતો છંદ હતો અને તેનું પાક્ય સ્વરૂપ તથા મર્યાદિત ગેયત્વ વાળું સ્વરૂપ પણ એટલું જ મહત્ત્વ ધરાવતું હતું. બીજી રીતે કહીએ તો અપભ્રંશની દોહાછંદની ઘણીખરી રચનાઓ લૌકિક કે લોકસાહિત્યની નહીં, પણ શિષ્ટ સાહિત્યની, વિદગ્ધ કવિની રચનાઓ છે. મધ્યકાલીન સાહિત્યમાં બંને પરંપરા સાથોસાથ ચાલતી હતી.
અપભ્રંશ સાહિત્યની પરંપરા અપભ્રંશમાં દોહા છંદ સંધિબદ્ધ મહાકાવ્યમાં, રાસાબંધમાં તેમ જ મુક્તક માટે વપરાતો. આ ઉપરાંત તત્કાલીન ગીતરચનાઓ માટે પણ તે ઉપયોગમાં લેવાતો હશે એવી અટકળ કરી શકાય.
અપભ્રંશમાં રાસકકાવ્યોના સ્વરૂપદષ્ટિએ બે જુદાજુદા પ્રકાર હતા. તેમાંના એક પ્રકારમાં જે વિવિધ છંદો વપરાતા હતા તેમાં દોહા પણ ઠીક ઠીક પ્રમાણમાં પ્રયોજાતો. “વિક્રમોર્વશીયના ચોથા અંકમાં ઉન્મત્ત પુરૂરવાની ઉક્તિઓમાં દોહાઓ