________________
શોધ-ખોળની પગદંડી પર
૧૪૩
દુહાની આ બે વ્યાખ્યાઓમાં કશો મતભેદ નથી. દોહાનાં બંને ચરણની છેલ્લી માત્રા હ્રસ્વ હોય છે. છંદોના પઠનમાં અંતિમ માત્રાને સર્વત્ર દીર્ઘ જ ગણવાનો નિયમ લાગુ પડતાં ૧૩ + ૧૧નું જ માપ ૧૪ + ૧૨નું માપ ગણાશે.
૧૩ માત્રાવાળાં ચરણમાં અનુક્રમે ૬,૪ અને ૩ માત્રાના બનેલા ત્રણ ગણ હોય છે અને ૧૧ માત્રાના ચરણમાં ૬+૪+૧ એવી યોજના છે. ૧૩ માત્રાવાળા ચરણની છેલ્લી ત્રણ માત્રા ત્રણ લઘુ અક્ષરોની બનેલી હોય છે, અને ૧૧ માત્રાવાળા ચરણની છેલ્લી ત્રણ માત્રા એક ગુરુ અને એક લઘુની બનેલી હોય છે. ચાર માત્રાવાળા ગણ માટે સામાન્ય રીતે લઘુ+ગુરુ+લઘુ એવું સ્વરૂપ (એટલે કે જગણ) નિષિદ્ધ છે. આવા છંદસ્વરૂપમાં સમયાનુસાર કેટલુંક પરિવર્તન થતું રહ્યું છે. પરંતુ તેની વિગતોમાં ઊતરવું અહીં પ્રસ્તુત નથી.
મધ્યકાલીન રાજસ્થાની-ગુજરાતી પરંપરામાં ખાસ કરીને ડિંગળ અને ચારણી પરંપરામાં દુહાની રચનામાં ‘વયણસગાઈ’નું તત્ત્વ ઉમેરાય છે. દરેક ચરણનો આરંભનો શબ્દ જે વર્ણથી શરૂ થાય તે વર્ણથી જ ચરણનો છેલ્લો શબ્દ પણ શરૂ થાય એ રીતે રચના કરવાનું વલણ ઉદ્ભવે છે, અને પછી તો પિંગલશાસ્ત્ર તેના ઝીણવટભર્યા નિયમો ઘડ્યા છે.
અપભ્રંશકાળથી જ દોહાના વિવિધ પ્રકારોની છંદશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે, તે દોહાછંદ ત્યારથી જ વ્યાપકપણે પ્રચલિત હોવાનું સૂચવે છે. એકી ચરણોમાં એક માત્રા ઓછી હોય તો તે ‘ઉપદોહક’ કહેવાતો અને ચરણો ઉલટાવેલાં હોય (૧૧+૧૩) ત્યારે તે ‘અપદોહક’. પછીથી ‘સોરઠા' રૂપે (પહેલા અને ત્રીજા ચરણને પ્રાસબદ્ધ કરીને) ‘સોરઠિયા દુહા' તરીકે ઘણો પ્રચલિત અને લોકપ્રિય થયો છે.
દોહાનાં બીજા અને ચોથા ચરણનો પાંચ માત્રા ઉમેરીને વિસ્તાર કરવાથી ‘ચૂડાલ દોહક’ કે ‘ચૂલિયાલા' (એટલે કે ચોટલીયાળો દુહો) બને છે અને કેટલોક સમય એ છંદ કવિપ્રિય રહેલો.
અપભ્રંશ સમયથી જ દોહા સ્વતંત્ર છંદ તરીકે વપરાવા ઉપરાંત અન્ય છંદની સાથે જોડાઈને—મિશ્ર છંદના એક ભાગ તરીકે—પણ વપરાતો. જેમ કે વસ્તુ કે રા છંદનો પાછલો ઘટક દોહાનો બનેલો હોય છે. દોહાને એક ઘટક તરીકે વાપરતા આવા બીજા કેટલાક મિશ્ર છંદોની વ્યાખ્યા પણ પિંગળકારોએ આપી છે. આ વસ્તુ છંદ અઢારમી શતાબ્દી સુધી તો વપરાતો હતો.
પરંતુ આ તો દુહાના છંદસ્વરૂપનાં બહારનાં, સપાટીનાં લક્ષણો થયાં. તે તે કૃતિમાં જીવંત રૂપે વપરાયેલો દુહો એક છંદ લેખે, તેની વિશિષ્ટ આંતરિક રચના અને