________________
૧૩૫
શોધ-ખોળની પગદંડી પર
“અરે મહારાજ ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં, ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરું ન મળે !”
એને ઘરે જઈને જોઈ આવો તો ખરા.”
બામણ તો મુસલમાનને ઘરે જઈને જોઈ આવ્યો છે. માદેવજી તો પૂછે છે, ‘ભાઈ, ભાઈ, તેં શું જોયું?'
મા”રાજ, મેં તો છાણનો પોદળો જોયો, ને માલીપા કીડા ખદબદતા જોયા.”
હે ભાઈ, એનાં ઘેરો જણ્યાંની દશા તો એ પોદળામાં ખદબદતા કીડા જેવી જાણજે, જા, તને એક દીકરો દઉં છું. પણ દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા.”
બામણને તો વિચાર થઈ પડ્યો છે. એના મનમાં તો થયું કે “ઠીક જીવતા, અટાણે તો દીકરો લઈ લેવા દે ! પછીની વાત પછી જોવાશે.”
| સ્વસ્તિ કહીને બામણ તો ઘેર ગયો છે. ગોરાણીને તો મહિના રહ્યા છે. નવ મહિને દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એવો રાતે વધે, ને રાતે ન વધે એવો દીએ વધે છે, અદાડે ઊઝર્યો જાય છે, હાં હાં ! કરતાં તો દીકરો છ મહિનાનો, બાર મહિનાનો, બે વરસનો થયો છે. એને તો રમાડે છે, ખવરાવે ને પીવરાવે છે. દીકરો તો શો મોંઘો ! શો મોંઘો ! કોઈ વાત નહિ એવો મોંઘો ! સાત ખોટ્યનો એક જ દીકરો.
એમ કરતાં તો દીકરો પાંચ વરસનો થયો છે. માબાપને તો વિચાર થયો છે કે અરેરે, દીકરાને નહીં ભણાવીએ તો પેટમાં ખાશે શું? ને નહિ પરણાવીએ તો વસતી રે'શે શું?
દીકરાને તો નિશાળે બેસાર્યો છે. દીકરો બાર વરસનો થયો ત્યાં તો ભણીગણીને બાજંદો થયો છે. એને તો નાળિયેર ઉપર નાળિયેર આવતાં થયાં છે. પણ માદેવજીની તો દુવાઈ છે કે દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા.
ગોર-ગોરાણી તો વિચાર કરે છે કે પૂતરને નહિ પરણાવીએ તો વસતી રેશે શું?
આ કથાઘટક શામળભટ્ટની “સિંહાસન બત્રીશી'ની વીસમી વાર્તા, “વેતાલ ભાટ'ની વાર્તામાં શરૂઆતના ભાગમાં મળે છે. (ફા.ગુ. સભાવાળી આવૃત્તિ, ૧૯૯૫, પૃ. ૧૧૬-૧૨૧, કડી ૩૨-૯૦). તેનો ટુંક સાર “મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માંથી નીચે ઉધૂત કરું છું. (પૃ. ૨૯૨) :