________________
શોધ-ખોળની પગદંડી પર આપી હતી તેમાં સહેતુક તેના ગોપીજનવલ્લભ સ્વરૂપને અગ્રેસર કર્યું. આનો ગુજરાતના તત્કાલીન કૃષ્ણસાહિત્ય પર ખાસ્સો પ્રભાવ પડ્યો. દયારામ કવિ(૧૯૭૭–૧૮૫૨)ની પ્રેમલક્ષણા ભક્તિને લગતી રચનાઓ એનું પ્રમુખ ઉદાહરણ છે, પરંતુ મોલેસલામ મુસ્લિમ રાજે ભગતની કૃષ્ણભક્તિ આ વલણ કેટલું બધું પ્રભાવક હતું તે દર્શાવે છે.
પોતે પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસર્મપણ લીધું હોય કે ન લીધું હોય, ગુજરાતના વૈષ્ણવોની પૂજાવિધિ, ભક્તિભાવના અને ધાર્મિક આચારવિચાર વલ્લભ-સંપ્રદાયના વૈષ્ણવોથી જુદાં હોતાં નથી. સત્સંગમાં ધોળ ગાનારી બહેનો પુષ્ટિમાર્ગીય હોય કે ન હોય, તેઓ હવેલીમાં દર્શન કરવા માટે પણ તે તે વેળા જાય છે. આ સંબંધમાં જૂનાગઢમાં બાબીવંશના રાજાના દિવાન રણછોડજી અમરજી(૧૭૬૮-૧૮૫૧)નો પ્રસંગ દ્યોતક છે. એક મહત્ત્વની લડાઈમાં જવાનું હોવાથી થોડુંક મોડું થતાં રણછોડરાયના સ્થાનિક મંદિરમાં નાગરોએ તેમને દર્શન કરવા ન દીધાં, તેથી રણછોડજીએ બુધેશ્વરના લિંગની સ્થાપના કરી અને તેનો સમગ્ર પૂજાવિધિ (શણગાર, ભોગ, શયન) હવેલીમાં જેવો બાલકૃષ્ણ માટે થતો હતો તેવો જ રાખ્યો.
ઐતિહાસિક દષ્ટિએ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે વલ્લભાચાર્યે ગુજરાતમાં આવીને વૈષ્ણવ સંપ્રદાયનો વ્યાપક ફેલાવો કર્યો તે પહેલાં ગુજરાતમાં કૃષ્ણભક્તિની પરંપરા હતી ખરી ?
હરિપ્રિયા રંગરાજનના મૂર્તિવિધાનના અધ્યયનને લગતા હમણાં પ્રકાશિત થયેલા પુસ્તકમાં ગુજરાતમાં પ્રાચીન સમયમાં મોટા પ્રમાણમાં વિષ્ણુની મૂર્તિઓ અને વિષ્ણુમંદિરો હોવાના પુરાવા નોંધ્યા છે. આથી વ્રજભૂમિમાં જેમ પૂર્વવર્તી શિવપૂજા અને દેવીપૂજાનું સ્થાન કૃષ્ણસંપ્રદાય લીધું તે રીતે ગુજરાતમાં પણ બન્યું એમ માની લેવું ભૂલભરેલું છે. ભલેને પછીથી ડાકોરના રણછોડ અને પોરબંદરના સુદામાની બાબતમાં એમ બન્યું હોય. હકીકતે વિષ્ણુઅવતારને પૂજતો સંપ્રદાય કૃષ્ણપૂજાના પ્રસારની પૂર્વે ગુજરાતમાં ફેલાયો હતો - ઉદાહરણ તરીકે દ્વારકા પરથી તે જોઈ શકાય છે.
ગુજરાતમાં વિષ્ણુની સૌથી પ્રાચીન પ્રસ્તરમૂર્તિઓ ક્ષત્રપકાળની (ઈ.સ. ૭૮થી 800) મળે છે. પરંતુ વૈષ્ણવ ગુપ્ત રાજાઓના યુગમાં (ઈ.સ. ૪૧૫-૪૭૧), વિષ્ણુના મંદિરનો સર્વપ્રથમ ઉલ્લેખ મળે છે. ગિરનારના પ્રખ્યાત શિલાલેખમાં ત્રીજા અને છેલ્લા ઉત્કીર્ણ લેખ(ઈ.સ. ૪૫૭)માં, સ્કંદગુપ્તના ગિરનારના શાસનકાળમાં રાજ્યપાલ પર્ણદત્તપુત્ર ચક્રપાલિતે વિષ્ણુ ચક્રભૂતના દેવાલયનું નિર્માણ કર્યાનો નિર્દેશ છે. દેખીતાં જ એ પ્રાચીન દેવાલય ગિરનારની તળેટીમાં દામોદરકુંડ પાસે જે દામોદરનું મંદિર છે તે સ્થળે જ હતું. આ પણ વિષ્ણુપૂજામાંથી કૃષ્ણપૂજામાં થયેલા સંક્રમણનો એક પુરાવો છે.