________________
સરહદપાદ-રચિત દોહાકોશ ૧૯૨૭-૨૮ની સાલ હશે. ત્યારના ભાવનગર રાજયના ખૂણે આવેલા મહુવા ગામમાં હું ગુજરાતી ચોથી-પાંચમી ચોપડીમાં ભણતો ત્યારે એક કવિતા હતી. મને એની ત્રણચાર પંકિત સાડાચાર દાયકા પછી પણ હજી યાદ છે.
જટા ધરે વટવૃક્ષ, પતંગ નિજ બાળે કાયા, જળચર જળમાં નહાય, ધ્યાન ધરવા બગ ધાયા,
ગાડર મુંડાવે શીશ, અજા મુખ દાઢું રાખે. એમાં આગળ જતાં “શામળ કહે એવો નામોલ્લેખ તો છે, પણ ત્યારે તો કવિબવિનું આપણને કેટલું ભાન હોય ? શામળના એ ત્રણ છપ્પનાનું જૂથ, માત્ર બાહ્યાચાર પાળવાથી ધર્મ થતો નથી કે સ્વર્ગ મળતું નથી, જે માયામમતા અને સ્ત્રીની આસક્તિ તજે તેને, જે અનુભવી હોય તેને જ ઈશ્વર મળે, તે જ સાચો સિદ્ધ, બીજા તો વેશધારી-એવું તાત્પર્ય રજૂ કરે છે. શામળના એ ત્રણ છપ્પા આ પ્રમાણે છે:
જટા ધરે વટવૃક્ષ, પતંગ નિજ બાળે કાયા, જળચર જળમાં નહાય, ધ્યાન ધરવા બગ ધાયા, ગાડર મુંડાવે શીશ, અજા મુખ દાઢું રાખે. ગર્ધવ લોટે છાર, શુક મુખ “રામ” જ ભાખે, વળી મોર તજે છે માનુની, શ્વાન સકળનું ખાય છે, કવિ શામળ કહે સાચા વિના, કોણ સ્વર્ગમાં જાય છે. ઊંચું ભાળે ઊંટ, વાગોળ નીચું જાળે, તરુવર સહે છે તાપ, પહાડ આસન, દઢ વાળે ઘર કરી ન રહે નાગ, ઊંદરો રહે છપીને, નોળીકર્મ ગજરાજ, ભક્ષ ફળપત્ર કપિને, ઈશ્વર અનુભવ વિણ નવ મળે; સ્ટેજ ભાવના ભંગ છે, શામળ કહે મનસા સિદ્ધ તેહને, કથરોટમાં ગંગ છે. સિંચે મુંડાવ્યાં શીશ, કરી ઉઘાડી કાયા, ફરી માગવી ભીખ, ના મેલી કોઈએ માયા, વરતી ઘણાએ વેશ, લક્ષણો લેશ ન લેતા, કાયામાયા કાજ, ફરે ધર્મલાભ કહેતા, . વિશ્વભર તેથી વેગળો, જ્યાં લગી મન ભામની ભજી શામળ કહે સાચો સિદ્ધ તે, જેણે મમતા, માયા તજી.